પૃષ્ઠ:Gulabsinh.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
ગુલાબસિંહ.

વિચાર એ બધાથી જુદાજ હતા. સ્ત્રીભાવ આ સમયે બાલભાવમાં લીન થઈ ગયો હતો. સામા માણસે અને ચહાવુંજ જોઇએ એવી હઠીલી અને ગાંડી પણ નિરપરાધી ઈચ્છા બર ન આવતાં, જેમ કોઈ બાલક સામાના મનને ખોટું ન લાગે તેવી પણ મહા શોકગ્રસ્ત વૃત્તિથી રડે છે, તેમ મા પણ ક્રોધ કે શરમનો આવેશ પામ્યા વિના પ્રેમનો બદલો આવોજ વળ્યો એમ ઓછું આણી, ડુસકે ડુસકે રોવા લાગી.

ગુલાબસિંહ એની આવી આકૃતિ નીહાળી રહ્યો હતો; માનું ખુલ્લું થઇ ગયેલું પણ સુંદર અને છટાદાર લટોથી છવાયેલું માથું એના આગળ નમી રહ્યું હતું. એક ક્ષણ ભર વિચાર્યા પછી એ એની પાસે ગયો અને ઘણા મધુર સ્વરે સાંત્વના કરતો કાંઈક મંદસ્મિત સહિત બોલ્યો “રે બાલા ! મેં તને પરમ જ્યોતિ માટે પ્રયત્ન કરવા જે કહેલું, અને તે પ્રયત્નના ઉદાહરણમાં તારી પડોશમાંનું વૃક્ષ બતાવેલું તે તને યાદ તો હશે; પણ તેજ પ્રસંગે હું તને પતંગિયાનું ઉદાહરણ પણ સાથેજ આપવું ચૂક્યો, કે પતંગિયું જ્યોતિને જોઈ તે તરફ જઈ પહોંચે છે, પણ તેની સમીપજ ખાખ થઈને પડે છે. શાન્ત થા, હું તને ઠીક સમજાવું છું. આ જયપુરવાસી—”

મા તુરતજ દૂર ખશી ગઈ અને વધારે રોવા લાગી.

“આ જયપુરવાસી તારા જેટલીજ ઉંમરનો છે, ને તારા સમાન કુલનો પણ છે, તું એની સાથે સુખે દિવસ ગાળી છેવટ શ્મશાનમાં પણ એની સાથે પગ વાળશે; પણ હું તો—અથવા એ ભવિષ્યની વાત વિષે હાલ જરૂર નથી. તારા હૃદયને જરા તપાસી જો. હું આ વખત ફરીથી તારી નજરે આવ્યો તે અરસામાં, તારા હૃદયમાં ધીમે ધીમે એવાં સ્નેહાંકુર ફૂટવા લાગ્યો છે કે જે પરિણામે પ્રેમરૂપ વૃક્ષ થઈ નીવડશે. જાણે તું કોઈ ઘરની ધણીયાણી છે અને ત્યાં આ તારો જવાન આશકજ તારો પતિ થઈ તને રીઝવે છે એવો તર્ક શું તેં કદાપિ પણ નથી કર્યો ?”

“કદાપિ નહિ” મા આવેશમાં આવી મહોટેથી બોલી “કદાપિ નહિ; પણ કદી કર્યો હોય તો પણ એટલાજ માટે કે મારા નસીબમાં તેમ થવાનું નિર્માણ થયુંજ નથી. અને અરે !” પોતાના મોં ઉપર છવાયેલી લટો દૂર કરી એક દૃષ્ટે ગુલાબસિંહ તરફ જોતી, રોતે રોતે બેશી ગઈ હતી ત્યાંથી ઉભી થઇને બોલવા લાગી “અરે ! આ પ્રમાણે મારા હૃદયની વાત સમજીને મારૂં