પૃષ્ઠ:Gulabsinh.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
પ્રેમતૃપ્તિના અંકુર.

ભવિષ્ય બાંધી આપનાર ! તું ગમે તે હો, પણ જે વૃત્તિથી (એમ કહેતાં જરા અચકાઈ, અને નજર નીચી નમાવી બોલી) મારું હૃદય તારામાં ગુંથાયું છે તે વૃત્તિને તું કોઈ બીજે રૂપે સમજતો નહિ. જે પ્રેમ મારામાં ઉત્પન્ન કરવા માટે સામેથી પ્રયત્ન કરવામાં આવ્યો નથી, અને મારામાં પ્રેમ થાય તો પણ જેને બદલે સામેથી વળે તેમ નથી, તેવો પ્રેમ હું કદાપિ કરતીજ નથી. પરદેશી ! તારે માટે મારા મનમાં જે વૃત્તિ થાય છે તે પ્રેમની નથી. શા માટે તારા પર પ્રેમ થવો જોઇએ ? તેં મારી સાથે મને શીખામણ આપવા સિવાય બીજા કોઈ પ્રકારની વાત અદ્યાપિ કરી નથી – ને વળી હાલ તો છેક મારું અપમાન કરવા સુધીની પણ કરી છે !” આમ કહેતાં વળી અટકી ગઇ, અવાજ નરમ પડી ગયો. પાંપણો પરથી અશ્રુના કણ ગરવા માંડ્યા, પણ તેને લોહી નાખી કહેવા લાગી “નહિ, પ્રેમ તો નહિ જ ! મેં જે વિષે સાંભળ્યું છે, વાચ્યું છે, અને રંગભૂમિ ઉપર જેનું નિરૂપણ કરવા પ્રયત્ન કર્યો છે તે જો પ્રેમ હોય તો નહિ, પ્રેમ તો નહિજ ! પણ એથી એ સવિશેષ માન પેદા કરવાવાળું, ભય પ્રેરનારું અને લગભગ અમાનુષ આકર્ષણ છે ! એથીજ મને આનંદ અને ક્ષોભ સાથેજ પેદા કરવાવાળાં મારાં તરંગી ચિત્રોમાં પણ જાગતાં કે સ્વપ્નમાં સર્વદા તારૂંજ ભાન થયાં કરે છે. તું એમ ધારે છે કે જો તારે માટે મારા મનમાં પ્રેમજ હોય તો હું તારી સમક્ષ આમ બોલી શકું ? ( આ વખતે એણે વળી પોતાની દૃષ્ટિ એકદમ ગુલાબસિંહની દૃષ્ટિ પર માંડી ) અને મારી ને તારી આંખે આંખ આ પ્રમાણે મેળવી તારા હૃદયમાંની વાત સમજવા પ્રયત્ન કરૂં ? રે અનભિજ્ઞાત ! કોઈ કોઇ વાર મને તારાં દર્શન કરવાનું કે તારી વાત સાંભળવાનું મન થતાં હું પૂછું છું; પણ મારા આગળ તું બીજા કોઈની વાત શા માટે લાવે છે ! શીખામણ દે, ઠપકો આપ, મારા હૃદય ઉપર મરાય તેટલા ઝખમ માર — જે ઘટતો ઉપકાર મારાથી દર્શાવી જવાય છે તેનો મરજીમાં આવે તો સ્વીકાર ન કર — પણ હમેશાં દિલગીરી અને આંસુનો દૂત થઈ મારે ઘેર આવ નહિ. મેં કોઈ કોઈ વાર તને મારાં સ્વપ્નમાં ભવ્ય તેજમાં ઉભેલો જોયો છે. જે આનંદ હાલ તારી દૃષ્ટિમાં જણાતો નથી તેવા દિવ્ય આનંદથી તારી દૃષ્ટિ પણ સ્ફુરી રહેલી જોઈ છે. અજાણ્યા પરદેશી ! તેં મને બચાવી છે, અને હું તે માટે તારો ઉપકાર માની આશિષ દઉં છું. શું આ હૃદયોદ્‌ગારરૂપ સેવા પણ એવી છે કે જેનો તું અનાદર કરશે ?” આ