પૃષ્ઠ:Gulabsinh.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
ગુલાબસિંહ.

છેલા બોલ બોલતે બોલતે પોતાના બન્ને હાથ જોડી મા એની આગળ પોતાના જોડેલા હાથ ઉપર માથું નમાવી રહી. આ પ્રમાણેની એની નમ્રતા કોઈ સ્ત્રીને છાજે નહિ તેવી કે હલકી ન હતી, અથવા આશક માશુક વચ્ચે હોય તેવી ન હતી, કે ન હતી શેઠ ચાકર વચ્ચેની હોય તેવી; પણ જેવી કોઇ બાલક પોતાના પાલક તરફ અથવા કોઈ શિષ્ય પોતાના મહાત્મા ગુરુ તરફ દર્શાવે, તેવા પ્રકારની એ નમ્રતા હતી. ગુલાબસિંહ ભ્રૂકુટી ચઢાવી દિલગીરીમાં વિચાર કરતો ઉભો રહ્યો. દયા અને શોકની અવર્ણ્ય દૃષ્ટિથી પણ મૃદુ પ્રેમની નજરે મા તરફ જઈ રહ્યો હતો; છતાં પણ સખ્ત મોંએ અને અનુત્સાહક શબ્દે બોલ્યો :—

મા તું જે માગે છે તે શું છે તેની તને ખબર છે ! તારી જાતને, કદાપિ આપણ ઉભયને, જે ભયમાં તું નાખવા ઈચ્છે છે તેની તને ખબર છે ? સંસારની સાધારણ ઘટમાલમાં પડેલાં અલ્પ પ્રાણીઓનાથી મારું જીવતર નીરાળું છે; રૂપ, રંગ, અંગ કશાને હું ઓળખતો નથી, સ્થૂલનો જેમાં ગંધ પણ નથી, વિષયવાસના જેને અભડાવતી નથી, એવી કોમલતા અને કાન્તિમાત્રનીજ ઉપાસનામાં હું નિમગ્ન છું. અને તેમ છતાં પણ કોમલ કાન્તિના દર્શન સ્પર્શનથી ઘણાનામાં જે થઈ આવે છે તેથી હું વિરક્ત છું. જેમાં માણસ પરમાનંદ માને છે, તેને હું મહા વિપત્તિ માની દૂરથીજ પરહરૂ છું — સંસારમાં સ્ત્રીઓની પ્રીતિથી સવિશેષ દૂર રહું છું. હાલ મારામાં એવું સામર્થ્ય છે કે હું તને આગળથી ચેતવણી આપી ઘણાં દુઃખમાંથી બચાવી શકું, પણ જો મારું ને તારૂં ઓળખાણ આથી આગળ વધે તો પછી એ સામર્થ્ય મારામાં રહેશે ? મુગ્ધે ! હું પૂછું છું તેમાંનું તું કાંઇ પણ સમજતી નથી ! પણ એ કહ્યા પછી હવે જે કહું છું તે તારાથી સહજમાં સમજાશે. તને મારે એવી જ આજ્ઞા કરવી પડે છે કે તારૂં ભવિષ્ય તારા સુખને માટે તેને જેમ કોઈ વાતનો નિષેધ કરતું હોય તેમ મારા વિષેના વિચાર તારા મનમાંથી નિર્મૂલ કર. જો તું સ્વીકાર કરશે તો લાલો તને મરણ પર્યંત પ્રેમથી ચહશે; કદાપિ હું પણ (એણે ગળગળા સ્વરે ઉમેર્યું) કે તારા પર પ્રેમ રાખું !”

“તમે” ! હર્ષ અને ઉલ્લાસના સત્વર ઉદ્‌ગારમાં માથી બોલી જવાયું; પણ એકજ ક્ષણમાં તેને સમજાયું કે એ બોલેલું પાછું મળે તો જે બેસે તે મૂલ આપીને પણ લેવું જોઇએ.