પૃષ્ઠ:Gulabsinh.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
ગુલાબસિંહ.

પ્રકરણ ૪ થું.

પ્રેમ અને જ્ઞાનનો કલહ.

ગુલાબસિંહે, પોતે રાખેલા એકાંત મહાલયમાંના ખાનગી ઓરડામાં દાખલ થયો, ને ત્યાં એના બે ખાસ માણસો એની સામા આવ્યા. આ નોકરો પણ વિલક્ષણ હતા. તેઓનો મિજાજ એવો શાન્ત હતો કે કોઇના મનની જિજ્ઞાસા પૂરી થાય અથવા પેદા થયેલો શક દૃઢ થાય એવો તેમના મોંમાંથી એક બોલ પણ નીકળતો નહિ. તેમની બોલી પણ સામાન્ય રીતે ન સમજાય તેવી હતી. આ બે નોકર ગુલાબસિંહની સાથે નિરંતર રહેવાવાળા હતા; એ સિવાયનો જે નોકર ચાકરનો વૈભવ હતો તે જરૂર પડ્યાથી કામચલાઉ રાખી લેવામાં આવેલો હતો. એના ઘરમાં તેમજ અની રીતભાતમાં એવું કાંઈ નજરે ન આવતું કે જેથી એના વિષે ચાલતી ગપ્પો જરા પણ ખરી ઠરે. પરિઓ આવીને એની નોકરી બજાવી ન જતી, પીર પેગંબરો આવીને એને ભવિષ્ય કહી ન જતા, કર્ણપિશાચી એના કાનમાં ગણગણતી નહિ, કે એના ઘરમાં નક્ષત્રની ગતિ જાણીને થવાની વાતો આંકવાનાં નલિકાયંત્રાદિક પણ મોજુદ ન હતાં; એની આટલી મહોટી અખૂટ દોલત છતાં એના બેસવા ઉઠવાના ઓરડામાં કીમીયાગર રાખે છે તેવો પણ સામાન નજરે પડતો ન હતો. આ ઉપરાંત એની વાતચિતમાં જે અધ્યાત્મ વિજ્ઞાનનો અંશ ઝળકી આવતો અથવા જે સામાન્ય પણ વિશાલ જ્ઞાન જણાઈ આવતું તે પ્રાપ્ત કરવાનાં કઈ સાધન-ગ્રંથાદિક-પણ એની પાસે જણાતાં ન હતાં. હાલ એ કોઈ પણ ગ્રંથનો અભ્યાસ કરતો હોય તો તે ફક્ત આ મહામાયારૂપે વિવર્તતા પરબ્રહ્મરૂપ ગ્રંથનોજ હતો, અને તે માટેનું સાહિત્ય એની ગહન સ્મરણ શક્તિથી મળી રહેતું. આ પ્રમાણે એના ઘરમાં તથા વ્યવહારમાં બધે જણાઈ આવતી તે પ્રકારની સાદાઈ છતાં, એવી પણ એક વાત હતી કે જેથી એ કોઇ ગુપ્ત વિદ્યાનો ઉપાસક છે એમ કલ્પવામાં આવે. દીલ્હીમાં, અંબરમાં કે હિમાલયના બરફમાં ગમે ત્યાં પોતે હોય ત્યાં, બધા ઘરથી જરા છેટે એક કોટડી રાખી, તેને ગમે તેવી યુક્તિથી પણ ઉઘડી ન શકે એવા નાના સરખા તાળાથી બંધ કરી રાખતો; ને એવું પણ એક વખત બનેલું કે ગુલાબસિંહ ઘેર ન હતો તેવામાં કોઈ ન જાણે તેમ, એક ચાકરે મધ્ય રાત્રિએ એ તાળાપર મહેનત કરી જોયેલી અને બીજે દિવસે તેને મુનીમ તરફથી