પૃષ્ઠ:Gulabsinh.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭
પ્રેમ અને જ્ઞાનનો કલહ.


કંઈ પણ કારણ જણાવ્યા સિવાય રજા પણ મળેલી. આ ચાકરે પણ પોતાના ક્રોધમાં ને ક્રોધમાં હજારો જૂઠી વાતો ઉમેરીને પોતાની વાત લોકમાં ચલવી મૂકેલી. તે કહેતો કે જેવો હું બારણા આગળ ગયો તેવુંજ કોઈ મને દૂર ખેંચી જવા લાગ્યું; ને તાળાને હાથ લગાડ્યો કે તુરતજ પક્ષપાત થયો હોય તેમ અંગ સજડ થઈ જઇને જમીન પર ચતાપાટ પડ્યો. એક ચાલાક તાન્ત્રિકે આ વાત સાંભળતાં જણાવ્યું કે ગુલાબસિંહ વિદ્યુત્‌નો અચ્છો ઉપયોગ કરતો હશે, પણ તે વાત રસિયા લોકને ભાવી નહિ, આ બધું ગમે તેમ હો. પણ એટલું તો ખરું કે આ કોટડી આવી રીતે એક વાર બંધ કર્યા પછી તેમાં ગુલાબસિંહ સિવાય બીજું કોઈ પેસવા પામતું નહિ.

દરબારની ઘડીપર વાગતાં ચોઘડીયાંના ઘોરથી, આ ભવ્ય મહાલયનો ધણી નિદ્રામાંથી જાગ્રત્‌ થયો.

“ઘડીમાં આંગળ પાણી વધારે ભરાયું !” તે જરા બેચનીથી બોલ્યો “તથાપિ શું થઈ ગયું ? તે અનાદિ અને અનંત પરમાત્માનાં કાલથી કરીને એક કણ પણ વધવાનો કે ઘટવાનો નથી. રે આત્મા ! પરમજ્યોતિ ! શિવ ! તારા સ્થાનથી શા માટે ભ્રષ્ટ થાય છે ? નિર્વિકાર, અનંત પરમાત્મભાવ તજી તું વિકારમય, પરિમિત પદાર્થો ઉપર શા માટે વૃત્તિ દોડાવે છે ? ક્ષણભંગુર વિષયના સહવાસથી પ્રાપ્ત થતા આનંદમાં પણ વિષાદજ થાય છે એમ સમજી તું કેટલી કેટલી વાર તારા સ્વરૂપમાંજ લય પામી આત્મધ્યાનમાં સંતુષ્ટ રહેલો છે ! આજ તે સંતોષ ક્યાં ગયો !”

આમ વિચાર ચાલે છે એવામાં પોતાની બારી નીચેના વાડીના ભાગમાં આવેલાં નારંગીનાં વૃક્ષમાંથી પ્રાતઃકાલને વંદન કરતા બુલબુલનો મધુર અવાજ ઉઠ્યો, અને જેમ જેમ વધારે તાનથી આલાપાતો ગયો તેમ તેમ જાગી ઉઠેલી તેની અંગનાએ સામે પ્રેમમય ઉત્તર પણ આપવા માંડ્યો. ગુલાબસિંહનું લક્ષ તે તરફ ગયું, અને જે શિવ રૂપ જીવને એ બોધ આપતો હતો તેમાં નહિ, પણ વિષયવાસનાની પ્રતિકૃતિરૂપ અંતઃકરણમાં કાંઈ કાંઇ વિતર્ક અને અવર્ણ્ય પણ આનંદકારક સળવળાટ થવા લાગ્યા. પોતે ઉઠ્યો, અને ઓરડામાં ઘણો વિવ્હળ થઈ આમ તેમ ફરવા લાગ્યો. છેવટ બેદરકારી અને અધીરાઈથી બોલ્યો. “બસ ! આ જગત્‌માંથી નીકળવુંજ; ગમે તેટલે કાલે પણ શું એનું દુઃખદાયક બંધન નહિ તૂટે ? આ ગૃહમાંથી બસ ચાલ ! તૂટો બંધન તૂટો ! પાંખો ! ઉઘડો” આમ બોલીને જુદા જુદા ઓરડામાં થઈને પેલી એકાંત કોટડીમાં ભરાયો.