પૃષ્ઠ:Gulabsinh.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના.

પાછી હઠે છે, પરમપુરુષાર્થને જાણી શકતી નથી, તેજ એ બુદ્ધિની મૂર્તિરૂપ રમામાં પ્રાદુર્ભાવ પામ્યાં. જગત્ જેમ સર્વ સારી વસ્તુને ખોટી જ માને છે, શૂરને ક્રૂર કહે છે, તેજસ્વીને અભિમાની કહે છે, સત્યને અસત્ય કહે છે, તેમ મહાત્માને પણ રમાએ બ્રહ્મરાક્ષસ માન્યો, અને એ પ્રેમનો અંત છેવટ બંદીખાનામાંજ આવ્યો.

સૌંદર્યની પાછળ દોરાતાં કર્તવ્યપરાયણ થયેલી ભક્તિ છેવટ બંદીખાનામાંજ પડી. પણ જેને ખરી પ્રતિભાનું સ્મરણમાત્રે રહેલું છે તેવી તે કદાપિ અધઃપાત પામતી નથી, તેને વિશુદ્ધિનો માર્ગ સમીપજ છે. સૌંદર્ય જ્યારે શ્રદ્ધારૂપે પરિણમે છે ત્યારે ભક્તિ અથવા કલાનો પરિપાક સ્વાર્પણમાં જ આવી રહે છે. કલા પોતે પોતાનોજ ભાગ આપી શ્રદ્ધાને સાથે લઈ શાસ્ત્રના પ્રદેશમાં પુનઃ પુનિત થઈ પ્રવેશ કરે છે, જ્ઞાનની સાથે ભક્તિ અભેદ પામે છે, અને પોતાનું માહાત્મ અખંડિત સાચવે છે, ગુલાબસિંહ પણ એજ રીતે રમાને લેઇ મત્સ્યેન્દ્રને મળે છે, ને માહાત્મ્ય ખોતો નથી. અનેક કષ્ટ અને વિટંબનાવાળું જીવન પણ પરમપુરુષાર્થની દ્રષ્ટિથી અનુભવાય અને સ્વાર્પણનો રહસ્યમંત્ર સમજવા જેટલો અનુભવ આપે તો મનુષ્ય જીવન કરતાં વધારે ઉત્તમ અને ઉપકારક બીજું કોઈ જીવન નથી એમ આ મહાત્માના પાત અને ઉત્થાનમાંથી આપણે સહજે સમજી શકીએ છીએ.

ગમે તેવા નિશ્ચયને, સૌંદર્ય અને શ્રદ્ધાના વિશ્વાસને, મન ઘણી વાર હલાવી નાખે છે. એવા ચલવિચલ સ્વભાવથી જ મન પોતે પણ અનંત કષ્ટ પરંપરા વહોરે છે. લાલાજી એવી મનોમૂર્તિ છે, તેની સાથે તેનો મિત્ર રામલાલ જે દુનીયાદારીના ડહાપણમાં કુશલ છે તે, કદાપિ પણ વિપત્તિ કે વિકટ સંકટમાં તેમ ઉત્કટસંપત્તિ કે ઉલ્લાસમાં ન આવનાર ડહાપણની છબી છે. બંદો કેવલ નાસ્તિક, જડવાદી ‘ઉદ્ધત’ સંકુચિત સ્વાર્થ છે. લાલાજી પોતાની આંદોલિતવૃત્તિમાં દુઃખી થાય છે, એટલુંજ નહિ પણ સૌંદર્યની શ્રદ્ધાને હલાવી નાખી, કલાના આનંદનો પણ ભંગ કરે છે. છેવટ એ ચલવિચલતાનું ઓસડ તો પુનઃ ભક્તિમય કલામાંથી જ, સ્વાત્માના વિશ્વાસમાંથી જ મળે છે.

વ્યવહાર અને વ્યવહારની જાલનો પ્રપંચ જે મહોટા મહાત્માને પણ બ્રહ્મરાક્ષસરૂપે દર્શાવી શકે છે, તેના પ્રિયમાં પ્રિય વિશ્વાસસ્થાનમાં પણ વિષ રેડી શકે છે, તેની ગુંચવણો અને તેનાં અધોગામી આકર્ષણોમાંથી મનુષ્યને ઉગરવાનો માર્ગ તેની ભાવનાશક્તિમાં જ રહેલો છે. માણસના હૃદયમાં કોઈ