પૃષ્ઠ:Gulabsinh.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
ગુલાબસિંહ.

પ્રકરણ ૬ ઠું.

મહાત્મા.

માણસ જાતિનાં સાધારણ દૂષણોની હલકા મનના માણસો વારંવાર ટીકા કરે છે; પણ તેમાં જે તે વાત ખરી માની બેસવાના ભોળપણને તો તેઓ ઘણુંજ ઉપહાસ યોગ્ય માને છે. પણ આની સાથે એ વાત પણ વિસરી ન જવી કે સ્વાર્થી અંતઃકરણ અને નબળી બુદ્ધિનાં ચિહ્નમાંનું એ પણ એક અચુક ચિહ્ન છે કે જે તે વાતની ના ને નાજ કહ્યાં કરવી.

ખરા જ્ઞાનનું લક્ષણ એ છે કે ના કહેવા કરતાં ખુલાસો આપવા પ્રયત્ન કરવો. ઉપરછલા તત્ત્વજ્ઞાનનું ડોળ રાખનાર કીમીયાની અને સ્પર્શમણિના ચમત્કારની ભલે અવગણના કરો, પણ ખરા જ્ઞાનીઓ સમજે છે કે કીમીઆની મારફતજ હાલના રસાયન શાસ્ત્રમાંની ઘણી ખરી વાત બહાર આવેલી છે, અને હજી પણ જે જે વાત અગમ્ય લાગે છે તે તે, જો આપણી પાસે શબ્દશક્તિ સમજવાનાં યથાર્થ સાધન હોય તો, થોડે કાલે ઘણી ગહન બાબતો પ્રસિદ્ધિમાં લાવે. ચાલુ જમાનાના કેટલાક સમર્થ રસાયનશાસ્ત્રીઓને સ્પર્શમણિની વાત અસંભવિત જેવી નથી લાગતી; અથવા વિશ્વનિયમોનું ઉલ્લંઘન કરવાને કોણ સમર્થ છે ? પણ શું વિશ્વના સઘળા નિયમો આપણને સમજાઈ ચૂક્યા છે ? ત્યારે શા માટે એવું ડોળ ઘાલવું કે હાલનું પદાર્થ વિજ્ઞાન આમ બતાવે છે, માટે તેમજ હોય તે વાત ખરી ને બીજી ખોટી ? એ પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર જેટલું જણાયું છે તેટલે અંશે ભલે ખરું છે, પણ તેટલા ઉપરથી આખા વિશ્વના નિયમોનું જ્ઞાન હોય તેવું ડોળ રાખી, જણાયલી બાબતથી જરા આડ વાત આવે કે ઈનકાર કરવા ઉભા થવું. એ કેવી ફીલસુફી ! કેવું જ્ઞાન ! ને કેવી શોધક બુદ્ધિ !

કેવલ બુદ્ધિ અને યુક્તિથી ચાલીએ છીએ એવું પાંડિત્ય કરનારા આજ કાલના સુધારાનું ડોળ રાખનારા લોક કહે છે કે “તમે કહો છો તે કરી બતાવો, અને તે કાર્ય વાસ્તવિક છે એમ જણાશે તો અમે પણ તેનાં કારણોની તપાસ કરવા લાગીશું.” ગુલાબસિંહ પાસેથી ગયા પછી, લાલજીના મનમાં પણ કાંઈક આ પ્રકારનો જ તર્ક ચાલી રહ્યો હતો, જો કે લાલો બીચારો છેક સયુક્તિક સુધરેલો અથવા કેવલ પ્રત્યક્ષવાદી ન હતો. ગુલાબસિંહનાં વચનનો