પૃષ્ઠ:Gulabsinh.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
માહાત્મા.

જેમ જેમ અસંબદ્ધ અને ગૂઢ જણાતાં ગયાં તેમ તેમ લાલાના મન ઉપર વધારે વધારે ભવ્ય અસર થતી ચાલી. ગુલાબસિંહે કાંઈ પ્રત્યક્ષ કરી બતાવ્યું હોત તો તે એનાથી સમજાત અને તે પર એને વિચાર કરવાનું ફાવત; પણ એમ થવાથી કેવલ ચમત્કાર જેવી વાતને સહજ બનાવોની પેઠે બનતી જોઈ એના મનમાંનાં આશ્ચર્ય તથા નવાઈ ભાંગી પડત, તો પણ પોતાના ભોળપણમાંથી જાગ્રત્ થઈ, મનમાં શંકા લાવીને, લાલો એમ સમજવા પ્રયત્ન કરતો કે આ ગુલાબસિંહનામાં કોઈ સ્વાર્થી જાદુગર કે ચતુર ધુતારાના જેવાં લક્ષણ છે કે નહિ ? પણ તે વ્યર્થ ! એવા લોકો, ગંભીર ચેહેરો રાખી, ધીમી ધીમી વાતો કરી, અંદરની વાસના જાલને બહારના ઢાંગથી ઢાંકી, અનેક ફૂદાંને જાલમાં ઉતારી પૈસો કમાવાની જોગવાઈ રાખે છે, તેમ આ માણસ રાખતો ન હતો; તેમ લાલાની પોતાની સ્થિતિ એવી ન હતી કે લાલાને કબજે કર્યાથી એને કશો લાભ થઈ શકે. આમ છતાં પણ, માણસો દુનિયાદારીના સાધારણ ડહાપણનો જે ટેક રાખે છે તે ટેકના ગર્વથી લાલો જેમ તેમ કરી એમ તો માનતો કે પેલી ગરીબ નાચનારી સાથે પરણવાની મને ફરજ પાડવામાં ગુલાબસિંહને કાંઈ મતલબ છે ખરી. વખતે એ બે જણાં સિદ્ધ સાધક તો ન હોય ! ને આ બધી ચમત્કારિક વાતો મને છેતરવાનું કાવતરૂં તો નહિ હોય ! માએ પોતાનું કામ પાર પાડવા આવો શાગિર્દ રાખેલો છે, એમ સમજી લાલાના મનમાં તેના તરફ તિરસ્કાર આવવા લાગ્યો. પણ આ તિરસ્કાર અથવા ક્રોધ ઇર્ષાથી મિશ્રિત થયા વિના રહેતો નહિ. ગુલાબસિહે હું પોતેજ એ સ્ત્રીને પરણીશ એવી ધમકી બતાવેલી છે, અને ગુલાબસિંહ પોતાનામાં પણ મોહ પમાડી આકર્ષણ કરે તેવાં બાહ્ય સાધન થોડાં નથી; આવા આવા પોતાના તર્ક વિતર્કમાં ગુંચવાઈ જવાથી લાલો પોતાના જે થોડા ઘણા મિત્રો દીલ્હીમાં થયેલા-વ્યાપારી, કારીગર વગેરે- તેમના ભેગો જઈ ગંમતમાં પડી આ વાત વીસરી જવા પ્રયત્ન કરતો, પણ તેમના તરફથી તો ગુલાબસિંહ સંબધી વાતમાં ઉલટો વધારો થતો. કેમકે એવા વર્ગના માણસોમાં આવો પ્રતાપી પુરુષ સર્વ વાતનો મુખ્ય વિષય ઘણું કરીને થઈ પડે છે.

લાલાને એ એક નવાઈ લાગી હતી કે, રજપૂત લોકોની ચારણી હિંદી ગુલાબસિંહ ક્યાંનો એ રહીશ છતાં સ્પષ્ટ રીતે અને કોઇ રજપૂતની પેઠે