પૃષ્ઠ:Gulabsinh.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
ગુલાબસિંહ.

બોલતો હતો. તેમજ ઉર્દુ, ફારસી, તથા સંસ્કૃત ભાષાનું પણ એનું જ્ઞાન એટલુંજ ઊંડું અને આશ્ચર્યકારક હતું. ઈરાનના એક ચીતારા સાથે એને વાત થયેલી તે એમજ સમજેલો કે આ કોઈ ઈરાની છે; અને કાશીનો એક પંડિત એની વાતચિતથી, એ શુદ્ધ સંસ્કારી બ્રાહ્મણ છે એમ સમજેલો. લાલાએ આ વાતનું મનન કરતાં એમ ધાર્યું કે પુરાતન કાલમાં કહેવાતા સિદ્ધ મહાત્માઓ વિના આ સત્તા બીજાનામાં હોઈ શકે નહિ. તંજલિ, તથા ત્સ્યેન્દ્ર, ગોરક્ષ અને સર્વોત્તમ શૈવાગમના પ્રણેતા શિવનાં વચન તથા મહાસિદ્ધિઓનો વિચાર કરતાં એના મનમાં વિવિધ તર્ક ઉઠવા લાગ્યા. એને એમ પણ સ્મરણ થઈ આવ્યું કે એક અનાદિ સિદ્ધસમાજ, આ જગત્‌ના આરંભથીજ દુનિયામાં કોઈને કોઈ સ્થલે સાક્ષાત્‌ રહી મુમુક્ષુ ભક્તલોકને માર્ગ પ્રેરે છે; તેમને મરણનો ભય હોતો નથી કે દ્રવ્ય ક્યાંથી આવશે તેની ચિંતા કરવી પડતી નથી. આવા લોકો આર્યાવર્તમાં ઘણાં સ્થાનોએ રહે છે, અને ભાવિની નિરીક્ષા કરી જ્ઞાનમાર્ગના પ્રવાહને કશાથી મલિન થવા દેતા નથી; માયાના તાપથી તેને સૂકાવા દેતા નથી. યુરોપમાં, એ, એક સમય “રોસીક્રુશીયન” એ નામથી ઓળખાતા, અને તેમની ગુપ્ત મંડલી હતી. ગ્રીસમાં પણ પ્લેટો અને સોક્રૅટીસના મત તેવાજ હતા. લાલાના સમજવામાં તો એમજ હતું કે દેશે દેશે આવું હોય છે, ને તે સર્વમાં આર્યાવર્ત મુખ્ય છે. ગુલાબસિંહ આમાંનો તો કોઈ નહિ હોય ? આ લોકો તો હંમેશાં જિતેન્દ્રિય તથા પરહિતમાં તત્પર રહી શુદ્ધ દક્ષિણ માર્ગનાજ અનુયાયી હોય છે. ગુલાબસિંહમાં પણ એ માર્ગથી ઉલટું કાંઈ જણાયું ન હતું, એના વિશે જે થોડી વાત પ્રસિદ્ધિમાં આવી હતી તે એના લાભમાં ઉતરે તેવી હતી, એણે ઉદારતાથી જે જે બક્ષિસો કે દાન પુણ્ય કરેલાં હતાં, તે એવાં તો યોગ્ય પાત્રોનેજ કરવામાં આવ્યાં હતાં કે તે જાણનારને આશ્ચર્ય લાવ્યા વિના રહે નહિ કે, દુઃખી મનુષ્ય જાતિના સંકટની આવી ખાંચખુંચ ગુલાબસિંહ ક્યાંથી સમજી શક્યો હશે ! એનામાં જે સામર્થ્ય હતું તે એણે કોઈ વાર ગેરરસ્તે વાપર્યાની વાત સંભળાઈ ન હતી. એક બે ખરાખર માંદા માણસોને વૈદ્યલોક નિરાશ થઈ તજી ગયા પછી, પોતે જોવા ગયો અને તેઓ ઉઠીને ઉભા થયા. તે પોતે પણ ન કહી શકતા કે શી દવાથી તેમને મટ્યું, કેમકે ગુલાબસિંહ આવ્યો, બેઠો, તેમની સાથે જરા વાત કરી ને તેઓ ઉંઘી ગયા ને સાજા થઇને ઉઠ્યા !

એક બીજી વાત પણ લાલાના મનમાં ધીમે ધીમે આવવા લાગી, ગામમાં