પૃષ્ઠ:Gulabsinh.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
સિદ્ધિની લાલસા,

આ માણસનું શરીર કેવલ કદ્રૂપુ નહિ તો ઘણું તરહવાર ને ખરાબ દેખાય તેવું હતું. એના ખભા ઉંચા અને ચોખંડા હતા, અને એની છાતી અંદર દબાઈ ગઈ હોય તેમ પાછળ પડતી હતી. હાથની આંગળીઓને સાંધે સાંધે મોહોટાં હાડકાંના ગાંઠા જણાતા હતા, અને હાથ મજબુત તથા કૌવતદાર છતાં જેમ કાંડા સાથે કોઈ સંબંધ જ ન ધરાવતા હોય તેમ કંતાઈ ગયેલાં કાંડાંમાંથી લટકતા હતા. એની મુખાકૃતિ સાધારણ કરતાં વધારે ખુલતી તથા વિલક્ષણ હતી; નાક લાંબુ વધીને દાઢીએ પહોંચ્યું હતું, આંખો નાની પણ હોશીઆરીમાં રમી રહેલી જણાતી હતી, અને મોંઢું એવા તો તરહવાર હાસ્યથી ખુલ્લું રહેલું હતું કે તેમાંથી મહોટા પાવડા જેવા તથા આડા અવળા ઉગેલા અને ભાગલા તૂટલા દાંતની હાર જણાઇ રહેતી હતી. આવી ભયંકર આકૃતિ ઉપર પણ કોઈ તરહવાર જાતની હોશીઅરીની છાયા છવાઇ રહી હતી; મુખમુદ્રા ઘણી ખળતરાઇ અને હિંમતની સાક્ષી આપતી હતી. આ રૂપ જોતાં પેદા થયેલા અચંબાથી જાગ્રત્‌ થઈ લાલો જુએ છે તો પોતાના મુલક તરફનો એક જાણીતો ચિત્રકાર જેને પોતે ઓળખતો હતો તેજ એ છે એમ જોઈ, પોતાને જે ભય થયું તે ઉપર હસવા લાગ્યો. એમ કહ્યા વિના ચાલે નહિ કે જે જાતે આવો કુરૂપ હતો તે ચિત્ર તો ઘણાં ભવ્ય અને રૂપાળાં આલેખતો. એનાં ચિત્રોમાં રંગની મીલાવટ જરા ભભકાદાર રહેતી, તો પણ અંગસૌષ્ઠવ, કોમલતા, તથા ભરાવને માટે એની છબીઓ વખાણવા જોગ થતી. કસર માત્ર એટલીજ કે સર્વાંશે સંપૂર્ણ એવાં કાલ્પનિક ચિત્રોની ગંભીર મહત્તા એમાં આવતી નહિ. પુરાણોમાંના દશ અવતાર કે કૃષ્ણલીલાનાં વર્ણન કરતાં તે જાણીતા રાજકીય ઇતિહાસમાંથી કોઈ પુરુષોનાં ચિત્ર કરવાં વધારે પસંદ કરતો; અર્થાત્‌ એનાં ચિત્રમાં જે મહત્તા આવતી તે દૈવી નહિ પણ કેવલ માનુષી જ હતી. એનાં ચિત્ર પર જે નૂર જણાતું તેથી દૃષ્ટિ કદાપિ તૃપ્તિ પામે, પણ અંતરાત્મા તો તેને પ્રમાણ ગણે નહિ. તાત્પર્ય કે એનાં ચિત્રના નમુના દુનિયામાં વારંવાર મળી આવે તેમાંનાજ હોય. આ માણસનામાં બીજી પણ જાણવા જોગ વિલક્ષણતા એ હતી કે પોતે પ્રસંગ આવ્યે સ્નેહ કે દ્વેષ ઉભયની અયોગ્ય સીમાએ પહોંચનારો, ઘણો અસહનશીલ, તથા કેવલ વિષયાનંદમાં ડુબેલો છતાં, વારંવાર સદાચાર વિષે ઘણા ઉત્કૃષ્ઠ અભિપ્રાય જણાવતો તથા પરોપકારના પુણ્યનું માહાત્મ્ય બતાવતો. આમ છતાં પણ એના મરડાતા હોઠ પરથી માલુમ પડી આવતું કે જે વાત એ બોલે છે