પૃષ્ઠ:Halarada.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
with soft caress
A little lovely dream.

[આવજે! ઓ સુલોચન! કનકવરણા તેજમાં તારી ચોપાસ ચાંદરડાં ચળકે છે. તારા હોઠ ઉપર કૂણી બચ્ચી વાટે હું નાનું રૂપાળું સોણું ચાંપી દઉં છું.]

આવું કલ્પના-ભુવન બેશક લોક-હાલરડાંમાંયે નથી, તેમ શિષ્ટ કવિની કવિતામાં પણ ગુજરાતને સાંપડ્યું નથી. ગુજરાતી કવિતાઓને બાળકની ક્રીડામાં, બાળકની નિદ્રામાં,એની મીંચાયલી પાંપણોમાં અને શાંત સૂતેલી મુખમુદ્રામાં કાવ્યત્વનું દર્શન નથી થયું. ગુજરાતી કાવ્યદેવીના અંતરમાં વાત્સલ્યના સૂરો ઝાઝા નથી ઊઠ્યા. હાલરડાં ગાવાનો સમય હજુ એને આવવો બાકી છે.[૧]

યુરોપીય હાલરડાંનો પ્રવાહ

ગુજરાત વાત્સલ્યવિહોણું નથી, પણ એના કાવ્યવિહોણું લાગે છે, નહિ તો બાળકનાં,પારણાં આજ ઉદાસ, અબોલ અને કેવળ લાકડાંના માળખાં જ ન બની ગયાં હોત : પારણાંની દોરી બેતાલ ન ખેંચાતી હોત : કજિયાળા બાળકને માતા મારી પીટી, હચમચાવીને ન પોઢાડતી હોત. જૂનાં લોક-હાલરડાંમાં એકસૂરીલાપણાનો ('મોનટોની'નો) કંટાળો અનુભવતી આયુગની તરુણ જનેતાઓ પાસે નવા રસે છલકતી, નવી ઊર્મિને ધબકારે ધબકતી, નવી કલ્પના-કળીએ મહેકતી હાલરડાંની કવિતા નથી. આપણાં લોક-હાલરડાંનો પ્રવાહ આગળ ન વધી શક્યો; કેવળ કૃષ્ણનાં સોનારૂપાનાં પારણાં અને દૂધદહીંનાં ખાનપાન અથવા મામા કંસના સંહાર વિશેના થોડા નાજુક સ્વરોમાં રૂંધાઈ ગયો. ત્યાંથી વહનને આગળ ચલાવે તેવી કોઈ મેઘધારા ગુજરાતી કવિઓના કંઠમાંથી વરસી નહિ... નહિ તો,

તમે મારા દેવના દીધેલ છો
તમે મારા માગી લીધેલ છો
આવ્યા ત્યારે અમર થઈને રો’!
તમે મારું નગદ નાણું છો
તમે મારું ફૂલ વસાણું છો
આવ્યા ત્યારે અમર થઈને રો’!
  1. 1 સ્વપ્નાંનાં હાલરડાં રચવાના થોડા પ્રયાસો મેં કર્યા છે :

    નીંદરભરી રે ગુલાલે ભરી
    બેનીબાની અંખિયાં નીંદરભરી રે
    [ ‘વેણીનાં ફૂલ’ ]

    સોણલાં લાવે રે, સોણલાં લાવે રે
    વીરાને પારણે ઝુલાવા
    નીંદરડી સોણલાં લાવે રે
    [ ‘કિલ્લોલ’ ]

હાલરડાં
221