પૃષ્ઠ:Halarada.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ધ્વજ સ્વતંત્રતાચ્યા ડુલતા
ઠેવીન તનુ અશ્યા નંદમય વેળા. - સુન્દરા.

[દેશભક્તનું બલદાયી દૂધ પિવાડીને હું તને વીર બનાવીશ. રિપુઓના રક્તથી હું તારે જ હાથે મા-ભૂમિને નવરાવીશ, અને સ્વતંત્રતા ઘેર આણીશ. હું સ્વતંત્ર વીરની માતા બનીશ, તે દિવસે હું સ્વતંત્ર અને ધન્ય બનીશ. સ્વતંત્રતાનો ધ્વજ ફરકવા લાગશે, તેવી આનંદમય વેળાએ હું મારો દેહ છોડીશ.]

ગદ્‌ગદા તદા પાળણ્યાત શિબ હસલા
જણુ માતૃબોલ ત્યા રુચલા !
મગ કરી લીલા મૃદુલ મુષ્ટિ વળવૂન
જણુ મ્હણે ઈને રિપુ વધીન !
અશી આર્ય શિખા રક્ષિળ યા ભાવે હો
જાવળાશીતો ખેલે હો !
શ્રી જીજા આઈળા અસા ક્રીડતા તાન્હા
દાટલા પ્રીતિચા પાન્હા!

[ત્યારે પારણામાં શિવાજી ખડ ખડ હસી પડ્યો. જાણે માના બોલ એને રુચ્યા. રમતમાં ને રમતમાં એણે સુંવાળા હાથની મૂઠીઓ વાળી, જાણે કહેતો હોયની, કે હું આ મુક્કીથી રિપુઓનો વધ કરીશ.*[૧]

આવી રીતે હું આર્યોની શિખાની રક્ષા કરીશ – એવો ભાવ દર્શાવતા હોયની, તેમ એ પોતાના બાળ-મોવાળા સાથે રમવા લાગ્યો. ધાવણા બાળુડાને આમ રમતો નિહાળીને જીજાબાઈ માતાને થાનેલે પ્રેમનો પાનો ચડ્યો]


આ નવયુગી હાલરડાંમાં બલવંત રાષ્ટ્રભાવના સરલ શૈલીએ ઊતરી છે. સામાન્ય માતાઓ પણ સમજે એવી નૂતન કલ્પના આમાં પૂરેલી છે. મહારાષ્ટ્રની શિષ્ટ જનતા ઉપર એનો પ્રભાવ કદાચ મંત્ર-શો હશે. પરંતુ એ હાલરડું હજુ ગ્રામ્ય માતાઓને કંઠે ટપક્યું નથી, કેમકે હજુ પૂરેપૂરું ગળાયું નથી.

ગુજરાતમાં પણ એવી વીરગાથાઓ ઉતારવાનું કર્તવ્ય નવયુગી શાયરોનું છે. વનરાજ, પ્રતાપ, શિવાજી અને અભિમન્યુનો દેશ બાલવીરત્વના ઇતિહાસવિહોણો નથી. એનાં નામાં- કામાં જે દિવસે સાદી છતાં મર્મગામી વાણીમાં પારણાંની દોરી તાણનાર માતાને કંઠે ઊતરશે, તે દિવસે એ પારણાંમાંથી એક્કેક યોદ્ધો ઊઠશે. એની માતા જ્યારે એને કહેશે કે –

The woods and the glens, from the towers
which we see,
They all are belonging, dear babie, to thee.

તે વેળા પોતાના દેશની માટીનાં ઢેફાં પ્રત્યેનું મમત્વ એને અંતરે બરાબર બાઝશે

અને કંઈક બાળકો એ માટીને પોતાના રુધિરથી ભીંજાવવાનાં સ્વપ્નો સેવશે.


  1. * સરખાવો : 'વનરાજનું હાલરડું' માં –

    મૂઠડિયું ભીડીને રે મોભી મારો પોઢિયો હો રાજ !
    દાઢડિયું ભીંસીને રે બાળો મારી પોઢિયો હો રાજ !
    હા રે જાણે તાણીને ઝાલી તલવાર
    હાં રે જાણે સૂઝે છે જુદ્ધ મોજાર
    સપનામાં સંહારે રે માભૂમિના કાળને હો રાજ.
    [ 'કિલ્લોલ' ]

હાલરડાં
231