પૃષ્ઠ:Halarada.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મદાલસાનું હાલરડું

કારણ કે હાલરડાંની અસર કેવી થાય છે તેનું દૃષ્ટાંત તો ખુદ આપણી જ તવારીખમાં ૫ડ્યું છે. ઋતુધ્વજ રાજાની રાણી મદાલસા વૈરાગ્યમાં ગળી ગઈ હતી, એટલે એણે પોતાના બાળકને હીંચોળતી વેળાએ આ જગતની નશ્વરતા, આત્માની અમરતા, સુખ-વૈભવની ક્ષણભંગુરતા ઈત્યાદિ ભાવોથી ભરેલાં ગંભીર હાલરડાં ગાયાં કર્યાં કે –

ત્વમસિ તત શુદ્ધબુદ્ધ નિરંજન
ભવમાયાવર્જિતજ્ઞાતા
ભવસ્વપ્નં ચ મોહનિદ્રાં ત્યજ
મદાલસાહ સુતં માતા !

[ઓ બેટા' તું તો શુદ્ધબુદ્ધ નિરંજન છે : જગતની માયાથી રહિત જ્ઞાતા છે. આ જીવન-સ્વપ્નને તથા મોહનિદ્રાને છોડી દે' એમ માતા મદાલસા પુત્રને કહે છે.]

નામવિમુક્ત શુદ્ધોઽસિ રે સુત
મયા કલ્પિતં તવ નામ
ન તે શરીરં ચાસ્ય ત્વમસિ
કિ રોદિષિ ત્વં સુખધામ !

[રે બેટા ! તું તો શુદ્ધ છે, નામરહિત છે, તારું નામ તો મેં કલ્પેલું છે. આ શરીર તારું નથી, કે નથી તું એનો. તો હે સુખમય ! તું શીદ રેડે છે !]

એવા એવા સચોટ શબ્દોમાં રાણીએ વૈરાગ્ય પ્રબોધતી સંસ્કૃત લાવણીઓ ગાયા કરી છે અને છેવટે -

વિમલવિજ્ઞાનવિશ્વેશ્વરવ્યાપક
સત્યબ્રહ્મ ત્વમસિ જ્ઞાતા
પ્રાહ મદાલસાઽલર્ક સુતં પ્રતિ
શાસ્ત્રપ્રસિદ્ધા વરમાતા!

આ હાલરડાની અગોચર અસરને પરિણામે રાણીના એક પછી એક કુમારો વૈરાગ્ય તરફ ઢળી જઈ. યુવાવસ્થામાં પહોંચતાં જ ભગવાં પહેરીને ચાલી નીકળેલા. છેવટે સાતમા કુમારની દોરી ખેંચીને એ હાલરડું ગાતાંની વાર જ રાજાએ દોટ દઈ, દોરી ઝૂંટવી લીધી ને કહ્યું કે 'હવે આ એકને રહેવા દે. નહિ તો મારું સિંહાસન સુનું પડશે. તું કહે તો હું ચાલ્યો જાઉં, પણ એને એકને એ હાલરડું સંભળાવવું રહેવા દે!'

એ કથા પરથી પુરવાર થાય છે કે હાલરડાં તો કંઈક યુગોથી ચાલ્યાં આવે છે. સંસ્કૃતમાં પણ એનું સાહિત્ય રચાતું હતું. અને આજે રવીન્દ્રનાથ જેવા કવિવરે પણ એ જુગજુગના વાત્સલ્ય-સ્વરોની અંદર પોતાનાં 'શિશુ' નામક ગીતો ઉમેરીને નવું જ માધુર્ય પૂરેલું છે.

હાલરડાંમાં જોડકણાં

હાલરડાંમાં તો ઊંડા અર્થો ન મૂકીએ તોય ચાલે. બાળકને તાલબદ્ધ સૂરો સંભળાવીએ. તો એ તાલનું પણ ભાવપ્રેરક વાતાવરણ પારણાને વીંટળાઈ વળશે. બાળક તો જોડકણાંનું (‘નર્સરી ર્‌હાઈમ્સ'નું) પણ ભૂખ્યું છે. ટૂંકી પંક્તિઓ –

૨૩૨
લોકગીત સંચય