પૃષ્ઠ:Halarada.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભાઈ મારો છે સાગનો સોટો
આવતી વહુનો ચોટલો મોટો
હાં...હાંલાં!
ઘોડાંની પડઘી વાગે
ભાઈ મારો નીંદરમાંથી જાગે;
ભાઈ ભાઈ હું રે કરું
ભાઈની વાંસે હું રે ફરું.
ભાઈને કોઈએ દીઠો!
ફૂલની વાડીમાં જઈ પેઠો.

એમાં તાલ ('રિધમ') છે, અને અસંબદ્ધ છતાં રમ્ય કલ્પનાઓ છે. મારવાડમાં પણ એ જ જાતનું હાલરડું ચાલે છે :

હાલાં હાલાં કરતા'તાં
સંતોકરા મામા રમતા'તા;
રમતે ખેલતે બાજરી વાઈ
બાજરીરા ખેતમેં ઢેલડી વિંયાઈ;
ઢેલડીરા બચિયા રાતા રે ભાઈ
સંતોકરા મામા માતા રે ભાઈ
હાલાં.. હાલાં!

બાજરાનું ખેતર : ઢેલડીનું વિયાવું: બચ્ચાંનો રાતો રંગ: એમાં કાવ્ય છે, શબ્દોની કોમળ રચના છે, તાલની તરલતા છે, પારણે હીંચતા શિશુને માટે એમાં નિદ્રાની લહરીઓ છે. માતાનો એમાં વિનોદ છે. અને જુઓ :

સંતોકરા મામા આવતા'તા
ઢાલ પછેડો લાવતા'તા,
ઢાલ પછેડે નવલી ભાત
સંતોક ઓઢે દિ' ને રાત.
ઓઢી ઓઢી જૂનો કર્યો
સરવર પાળે ઝીલવા ગ્યાં
હાડિયો આવ્યો લઈ ગિયો
કાનમાં વાત કહી ગિયો
હાલાં! હાલાં!

ઢાલ-પછેડો : સરોવરની પાળ : સંતોક ઝીલણિયાં રમે : કાગડો આવે : કાનમાં કંઈક વાત કહી જાય ને પછેડો ચાંચમાં લઈ જાય: એક નાની-શી રમ્ય ને નિગૂઢ દુનિયા ઊભી થઈ. એમ બાળકને શીખવવામાં પણ તાલસૂરની સહાય લેવાય :

પા પા પગલી!
મામાની ડગલી!
પા પા પગલી!
મામાની ડગલી!

હાલરડાં
223