પૃષ્ઠ:Halarada.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રોટલા ઘડીને ઊભી રહી,
ચાનકીનો માગનાર દ્યો ને, રન્નાદે !
વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.
ધોયોધફોયો મારો સાડલો,
ખોળાનો ખૂંદનાર દ્યો ને, રન્નાદે !
વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.

પછી પ્રાર્થનાની ફ્લસિદ્ધિરૂપે ઉપલી દરેક કડી આ પ્રમાણે ફેરફાર કરી ગવાય છે :

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું
પગલીનો પાડનાર દીધો, રન્નાદે !
અનિરુદ્ધ કુંવર મારે લાડકો.

ક્યાંક આમ પણ ગવાય છે :

ઘરને પછવાડે રૂડું ઘોડિયું,
પારણાનો પોઢનાર દીધો, રન્નાદે,
વાંઝિયા-મેણાં માએ ભાંગિયાં –

જનેતાના હૈયામાં

[સાચી વાત તો એમ છે કે કૃષ્ણ દેવકીજીને પેટ કંસના કેદખાનામાં જન્મેલા, ને પછી એના પિતાજી વસુદેવ એમને છાનામાના નંદ-જશોદાને ઘેર મૂકી આવેલા. પણ આ ગીતમાં તો ઈતિહાસ અળગો મુકાયો છે. મુખ્યત્વે તો આ ગીતમાં સગર્ભા માતાનું ચિંતાતુર ચિત્ર ઊભું કરવાનો આશય છે. મહિને મહિને શાં-શાં ચિહ્નો જણાય, અને બાળના જન્મસમયે શી-શી વિધિઓ કરાય તેનું વર્ણન છે.]

એક દેવકી જશોદા બે બેનડી, હરનું હાલરડું;
બે બેની પાણીડાંની હાર્યું રે ગોવિંદજીનું હાલરડું.

દેવકી પૂછે જશોદા કેમ દૂબળાં રે, હરનું હાલરડું,
બાઈ, તારે તે કેટલા માસ રે ગોવિંદજીનું હાલરડું.

મેં તો સાત જણ્યાં તોય વાંઝિયાં રે, હરનું હાલરડું,
હવે આઠમાની કરવાની શી આશ રે ગોવિંદજીનું હાલરડું.

240
લોકગીત સંચય