પૃષ્ઠ:Halarada.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પોઢો ને!


હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;
ઘડી જાવને ઘોડિયા માંય, અંબર તમે ઓઢો ને!

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;
મારા લાડકવાયા લાલ, પીતાંબર ઓઢો ને!

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;
મારે દો'વી છે કાંઈ ગાય, અંબર તમે ઓઢો ને!

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;
મારે ઘરમાં છે ઘણું કામ, અંબર તમે ઓઢો ને!

બહુ વા′લો

પોઢો ને મારા હરિ હાલો હાલો !

તું તો રે તારા બાપને બહુ વા'લો. - પોઢો ને૦
તું તો રે તારી માતાનો લાલ. - પોઢોને૦

મળવાને આવશે વ્રજ તણા બાળા,
તે તો રે લાવશે ફૂલડાંની માળા,
તું તો રે તારા કાકાને બહુ વાલો!-પોઢો ને૦

મળવા રે આવશે ગોકુળની ગોપી,
તે તો રે લાવશે ફૂલડાંની ટોપી,
તું તો રે તારી માતાનો લાલો ! – પોઢો ને૦

મળવા આવશે મામો ને મામી,
તે તો રે ભમ્મર તાણી રે'શે સામી,
તું તો રે તારા મામાને બહુ વાલો! - પોઢો ને૦

હાલરડાં
243