પૃષ્ઠ:Halarada.pdf/૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


વાત્સલ્યના સૂરો
[‘હાલરડાં’નો પ્રવેશક : 1928]


સાવ રે સોનાનું મારું પારણિયું
ને ઘૂઘરીનાં ઘમકાર, બાળા પોઢો ને !
ચાર પાયે ચાર પૂતળિયું
ને મોરવાયે બે મોર, બાળા પોઢો ને !

કઈ શુભ ઘડીએ પ્રભુએ માતાના દેહમાં બાળક મેલ્યું, વિશ્વકર્માએ સુતારની કલ્પનામાં પારણું મેલ્યું, અને સરસ્વતીએ કવિના કંઠમાં હાલરડું મેલ્યું !

એ ત્રણેય નાનકડી કૃતિઓમાં ઈશ્વરી સૃજનકલાનો મોટો વિજય અંકાયો છે. ત્રણેયના સમુચ્ચયમાં એક સિદ્ધિનું દર્શન થાય છે. ત્રણમાંથી એક લઈ લ્યો અને આખી કૃતિ ખંડિત લાગે છે. ત્રણેયનો સામટો સંયોગ આપણા ઘરસંસારને અનેરી શોભા, અનોખી મીઠપ આપે છે. જનેતાનું જીવન જીવવા જેવું - દુઃખોના મોટા જૂથની સામે પણ મીઠાશથી જીવવા જેવું - બને છે. ગૃહજીવનમાં અને દંપતીસંસારમાં એ અમૃત સીંચે છે. બાળકના કૂણા શરીર પર સ્પર્શ કરતી કરતી કાલાં જોડકણાં ગાતી માતા જાણે કે પોતાના પતિના જ સ્પર્શની પુલક અનુભવે છે. એને પોઢાડતી વેળા પણ જાણે પોતાના પતિને જ પોઢાડતી, હોય એવી ઊર્મિ અનુભવતી જનેતા ત્યાં હાલરડાનું સંગીત છાંટે છે. બાળક, પારણું અને હાલરડું એ પતિ તરફના હેતમાં નવું પોષણ ટપકાવે છે. લગ્ન-જીવનની શરૂઆતમાં ફાટ ! ફાટ ! થતો દંપતી-પ્રેમ સંસારના ટાઢા પવન પછી જ્યારે થીજી જાય છે, ત્યારે ફરી વાર એને ઓગાળી પ્રેમનાં વહન સ્થિરગતિએ વહાવનાર સૂર્યકિરણો આ ત્રણ છે : બાળક, પારણું અને હાલરડું. એને કોઈ અપમાનશો મા ! અવગણશો મા !

બાળકડું નવ મારીએ રે
પારણાનો રખેવાળ મારા વા’લા

પારણે બાળક ઝુલાવતી માતા જાણે કે આ તોફાની ‘પંચ મહાભૂત’ બાળકને બ્રહ્માંડ- -પારણામાં હીંચોળતી જગજ્જનનીનું નાનું-શું સ્વરૂપ છે, આછેરું પ્રતિબિમ્બ છે. રડતા ને પછાડા મારતા આ વિશ્વ-પ્રાણને વિરાટ પારણામાં હીંચતા બે ઘડી શાતા વળે છે. એનું નયન બે ઘડી નિદ્રામાં બિડાય છે. જગદમ્બા જાણે એને જંપાવવા માટે આ વાયુ, વર્ણો, સુગંધો અને સુસ્વાદોરૂપી સૂરોનું હાલરડું જ નિરંતર ગાઈ રહી છે.

એ હાલરડાંના સૂર આ પૃથ્વીને આરે ઊતર્યા. શિષ્ટ ગણાતી યુરોપીય જનેતા અને કાલીઘેલી મનાતી હિન્દી માતા, બન્નેના કંઠથી હાલરડાં ઊઠ્યાં. શબ્દો જુદા, પણ સ્વરો

એક જ સરખા :

હાલરડાં
215