પૃષ્ઠ:Halarada.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પાડો દૂઝે ને ભેંસ વલોવે,
મીનીબાઈ બેઠાં માખણ ચોરે;
હાલો! હાલો!

સૂતા રે સૂડા ને સૂતા પોપટ, સૂતા રૂડા રામ;
એક ન સૂતો મારો વનુભા, જગાડ્યું આખું ગામ.
એક ઘડી તું સૂઈ જા રે ભાઈ ! મારે ઘરમાં ઝાઝાં રે કામ.
કામ ને કાજ સૌ રહેવા દેજો, નાનડિયાને લઈ રહેજો;
કામકાજ મૂકો ને પડતાં, રે ભાઈને રાખો ને રડતા.
હાલો! હાલો!

નાધડિયા નિદ્રાળુ રે પાતળિયા ભૂખાળુ!
આખાને રૂવે રે બાવા! કકડો ખાઈને સૂવે.
હાલો! હાલો!

પાલણે પોલા વાંસ, રે બાવા! ઘોડીએ મોર ને હંસ.
પાલણિયાં પડિયાલાં, રે ભાઈનાં ઘોડિયાં છે રળિયાળાં,
હાલો! હાલો!

નાધડિયાનું પાલણું મેં તો ઘણેક દહેલે દીઠું;
ઓવારીને નાખું રે હું તો રાઈ ને મીઠું.
હાલો! હાલો!

હાલકડે ને ફૂલકડે કાંઈ મોતીના દડા,
સઘળા રે નિશાળિયામાં વનુભા મારા વડા.
વડા ને નિશાળિયા જોડે ભાઈ મારાને લેજો,
ભણ્યાંગણ્યાં નથી ભૂલ્યા, ભાઈની પરીક્ષા કરી લેજો.
હાલો! હાલો!

હાલકડે ને ફૂલકડે કાંઈ મોતીના રે બખિયા,
ભાઈ મારાને ઘોડિયે કાંઈ ચાંદો ને સૂરજ લખિયા.
હાલો! હાલો!

નાધડિયાના પાખી રે મારે સૂના હૂતા સંસાર,
જાગ્યા જ્યારે વનુભા ત્યારે રાંધ્યા હતા કંસાર.
હાલો! હાલો!

254
લોકગીત સંચય