પૃષ્ઠ:Halarada.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભાઈ રે મારો ભાઈ! મહારાજાનો જમાઈ.
રાજાની કુંવરી કાળી, ભાઈએ જાન પાછી વાળી;
રાજાની કુંવરી ગોરી, ભાઈએ વહેલો પાછી જોડી;
મોય જોડ્યા ધોરી, રે ભાઈએ પાસે બેસાડ્યાં ગોરી,
હાલો! હાલો!

હાલો રે હાલો! ભાઈને હાલો ઘણો વા'લો;
ભાઈને ગોરીડાં રે ગાજો, ભાઈને રમવા તેડી જાજો;
ગોરી ગાયનાં દૂધ, ભાઈ પીશે ઊગતે સૂર;
ભાઈ માડીને છે વા'લો, ભાઈ મામાને છે વા'લો;
મામા પોહોડે સેજડી, વાયુ ઢોળે બે'ન ભાણેજડી.
હાલો! હાલો!

હાથે ને પગે કલ્લાં સાંકળા, રે માથે મગિયા ટોપી;
અટલસનાં અંગરખા, રે એને બખિયે બખિયે મોતી;
ભાઈ મારાનાં મુખડાં હું ફરીફરીને જોતી.
હાલો! હાલો !

ભાઈ મારો ભમતો, શેરીએ શેરીએ રમતો;
શેરીએ શેરીએ દીવા કરું, ભાઈ રમે ને હું જોતી ફરું.
હાલો! હાલો!


હાલા રે હાલા

[સ્વ. રણજિતરામ સંગૃહીત]

હાલા રે હાલા, ભાઈને હાલા,
ભાઈ તો અટાદાર, મોજડી પહેરે પટાદાર,
મોજડીઓ ઉપર મોગરા, ભાઈને રમાડે રાજાના છોકરા.
હાલા રે હાલા.

ભાઈ તો રાજા ભોજ; ભાઈને બારણે હાથીઘોડાની ફોજ;
ઘોડીલાની પડઘી વાગે, ભાઈ મારો ઝબકીને જાગે.
હાલા રે હાલા.

હાલરડાં
255