પૃષ્ઠ:Halarada.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ખમા મારા કાનકુંવરને કાંટડો ભાંગ્યો,
કાંટો ભાંગ્યો ને વા’લા ઠેસડી વાગી.

અડવો કે’શું ને બડવો કહીને બોલાવશું,
ફૈયરનાં નામ વન્યા વણબોલ્યાં રે’શું,

એક આવી ને ઘમ ઘમ ઘૂઘરા લાવી.
બીજી આવી ને કડાં સાંકળાં લાવી;

ત્રીજી આવીને વેઢ વાંકડા લાવી,
ચોથી આવીને લંપાઈ ઘોડિયા આગળ બેસશું.

તારે પારણે

તારે પારણે પોપટ બોલે છે,
તારે ઘોડીએ મોરલા ડોલે છે;
સૂઈ રો’ ને કાન !
હાલરડાં હુલરાવે જશોદા માવડી !

તારે હાલરડે હીરની દોરી
તુંને હુલરાવે જશોદા ગોરી;
સૂઈ રો’ ને કાન. – હાલરડાં૦

કાના, કામ કરું કે તુજને તેડું !
મારે જાવું છે જળ જમના બેડું;
સૂઈ જાવ ને કાન. – હાલરડાં૦

કાના, બારણે તે બોલે બાઘડિયા,
તારે પારણે ઘૂમે રસ મોરલિયા;
સૂઈ જાવ ને કાન. – હાલરડાં૦

કાને વાછરું વાળ્યાં ને ગાવ દોવડલી,
ગોપી મહી રે થોડાં ને છાશ આવડલી,
સૂઈ જાવ ને કાન. - હાલરડાં૦

મારે જાવું છે નરસૈ મે'તાને બારણીએ,
પ્રભુ આવી ઊભા મારે પારણીએ;
સૂઈ જાવ ને કાન. – હાલરડાં,

હાલરડાં
૨૫૭