પૃષ્ઠ:Halarada.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાઢ્યા આલાલીલા ચોગઠ ચારે વાંસડા રે,
તેનો ઘડિયો છે કાંઈ પારણિયાનો પાટ. – માતાo

પારણું વળગાડ્યું છે આંબા કેરી ડાળીએ રે;
તેમાં પોઢાડ્યાં છે ત્રણે અતિથિ-બાળ. – માતાo

સતીએ હીરલા દોરી લીધી છે કંઈ હાથમાં રે;
માતા હલવલ! હલવલ! કરી હાલરડાં ગાય. – માતાo

મારા કાળા ગોરા ઘઉંલા કુંવર કાનજી રે;
તમારા નામ ઉપરથી જાઉં હું તો બલિહાર. – માતાo

બ્રહ્મા, વિષ્ણુ, શંકર, બાળા, પોઢો પારણે રે;
સૂઈ જાઓ ઉમિયા લખમી સાવિત્રીના કંથ. – માતાo

પ્રભુએ મે'ર કરી મનગમતાં બાળક આપિયાં રે
ભાંગ્યાં વાંઝી-મેણાં, અતિ ઘણો આનંદ. – માતાo

કાકા, મામા, માશી બોલો મારાં બાળકાં રે!
જે કોઈ બોલે એને આપું ફૂલનો હાર! – માતાo

ત્રણે સતિયું ચાલી માતા પાસે જાચવા રે;
માતા અનસૂયાજી આપો અમારા કંથ. – માતાo

માતા અનસૂયાજી મુખથી એવું બોલિયાં રે;
સતિયું ઓળખી લ્યો તમ સૌ સૌના ભરથાર. – માતાo


ભોળી જમના

સોનલા ઈંઢોણી રે ભોળી જમના
રૂપલાનું બેડું રે ભોળી જમના
વીશ બેડાં ભરિયાં રે ભોળી જમના
એક બેડું ખાલી રે ભોળી જમના
ત્યાં તો બાળ ઊઠ્યાં રે ભોળી જમના
કેમ દોરી તાણી રે ભોળી જમના
આમ દોરી તાણી રે ભોળી જમના
પછી ખેતર ગ્યાં'તાં રે ભોળી જમના
ત્યાં તો હરણ આવ્યાં રે ભોળી જમના,
કેમ હરણ ઠેકે રે ભોળી જમના
આમ હરણ ઠેકે રે ભોળી જમના

હાલરડાં
૨૬૩