પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦ : હીરાની ચમક
 


ક્ષણે વર્ણ તેમના તરફ તિરસ્કારભર્યું વલણ દાખવે જ. પરંતુ ભક્ત તુલાધારને પોતાનો શ્રમ જે આપે તે સિવાય બીજુ કાંઈ પણ મેળવવાની ઇચ્છા રહી ન હતી. એટલે તેની પ્રતિષ્ઠા શૂદ્રોમાં જ નહિ પરંતુ ચારે ય વર્ણમાં ઠીક ઠીક જામી હતી. તેમાં યે વિદ્વત્તાની વાચાળતા અને જ્ઞાનના ઘમંડ વગરની તેની બક્તિ તુલાધારને લોકપ્રિય બનાવી શકી હતી. ભક્ત તરીકે તે ચારે ય વર્ણમાં જાણીતો થયો હતો – જોકે પંડિત, શાસ્ત્રી, કે વેદપાઠીને જે માન મળે તે ભક્તને ન જ મળે ! ઘોડે ચડેલા ગરાસિયાને સલામો થઈ શકે, પરંતુ ભક્તને ભાગ્યે જ સલામપાત્ર ગણાય. ધનિકોનાં વસ્ત્રઘરેણાં આંખનું જેટલું આકર્ષણ કરે એટલું આકર્ષણ ભક્તની તુલસીમાળામાં ન જ હોય ! ઠીક. ભક્ત એટલે ? નમસ્કાર કે સલામને પાત્ર વ્યક્તિ નહિ, પરંતુ ‘કેમ ભગત ?’ કહીને કદીકદી દૂરથી અર્ધકટાક્ષયુક્ત સંબોધનને લાયક એક માનવ પ્રાણી !

ભક્ત તુલાધારને કોઈ ભક્ત કહે કે ન કહે તેની પરવા હતી નહિ; પ્રભાતમાં તે સહુથી વહેલો ઊઠી નદીકિનારે જઈ સ્નાન કરે અને પોતાના ઘરમાં તે સ્થાપેલા ભગવાનની પૂજા કરી પોતાને કામે વળગે. તેની પત્ની પણ તેને અનુકૂળ હતી. ગરીબીનો તુલાધારને ગભરાટ ન હતો. દેહ ઢાંકવા માટે ફાટ્યાંતૂટ્યાં એકાદ બે વસ્ત્ર તેમને બસ થઈ પડતાં. નહાતી વખતે હાથે જ કપડાં ધોઈ તેઓ સ્વચ્છ બની પ્રભુ પાસે આવતા. ગામમાં કોઈ જાહેર કથાવાર્તા હોય તો તેઓ ઉચ્ચ વર્ણને સ્પર્શ ન થાય એમ દૂર બેસીને કે ઊભા રહીને કથાનું હાર્દ સમજતા, અને રાત્રે પોતાની વાણીમાં પોતાના ભાવને ઉતારતાં ગીતો સ્વાભાવિક રીતે રચી ભક્તિમાં લીન રહેતા.

ઈશ્વર વિદ્વતાની વસ્તુ નથી, વાચાળતાની વસ્તુ નથી, વાદવિતંડાની વસ્તુ નથી, પરંતુ સાચી દૃષ્ટિ અને સાચા હૃદયની વસ્તુ છે. તુલાધારનાં ભજનોમાં શબ્દો સાદા આવતા હતા, પરંતુ એની ચોટ જબરદસ્ત હતી કે ભલભલા વિદ્વાન બ્રાહ્મણોને પણ તુલાધારનાં ભજનો આકર્ષતાં હતાં. તેમનાં ભજનો ચારેય વર્ણમાં વ્યાપક બનવા