પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬ : હીરાની ચમક
 

 ન હોય તો પણ પ્રભુ વગર પાંદડું પણ હાલતું નથી એવી શ્રદ્ધા ધરાવનારને જીવનમાં સર્વ વ્યવહાર પ્રભુની લીલારૂપ જ લાગે છે.

પરંતુ ગામના સર્વશ્રેષ્ઠ ધનપતિને તો આમાં પ્રભુના ભક્તનો ચમત્કાર વધારે દેખાયો. ધનપતિના કુટુંબને કોઈ ધર્મ ઊભરાની ક્ષણે એ ખ્યાલ આવ્યો કે પોતાને ઘેર એક ભજનમંડળી રાત્રે બેસાડવી અને તેમાં તુલાધાર ભક્તને નોતરવા. તુલાધારે હરિજનોમાં એ રાત્રે.ભજન માટે જવાનું કબૂલ કર્યું હતું. એટલે નમ્રતાપૂર્વક શેઠને ત્યાં જવાની ના પાડી. શેઠે કોઈ ધનિક માણસ પણ લલચાય એટલી ભેટ ધરવાનું કહેણ મોકલ્યું, પરંતુ એથી વધારે નમ્રતા સાથે તુલાધારે કહેણ નકાર્યું, અને એ જિલ્લાના જિલ્લા ખરીદી લેનાર શેઠનું અભિમાન ઘવાયું. પ્રભાતના પહોરમાં જ આ ભક્ત લલચાયા વગર રહે નહિ એવી યોજના કરવા માટે તેમણે એક આખું વૃક્ષ સોનાનાં ફળથી ભરી દીધું. શેઠ અને શેઠાણી બંને ભક્તની કસોટી કરવા માટે સંતાઈને ઊભાં રહ્યાં. તુલાધારે સુવર્ણ ફળ તરફ નજર કરી એટલે તેમને લાગ્યું કે ભક્ત લલચાયો. પ્રભુના દર્શન માટે એણે ચાર ડગલાં ભગ્નમંદિર તરફ ભર્યા અને તેમને લાગ્યું કે હવે આ ભક્ત સુવર્ણ ફળ તોડવા માંડશે. સુવર્ણ ફળ લીધા વગર પાછા ફરતા ભક્તે સુવર્ણ ફળ તરફ આંગળી પણ ન ઉપાડી...! છતાં આગળ જઈને પણ ફરી ફળ તરફ દૃષ્ટિ કરી એટલે તેમને લાગ્યું કે ભક્ત ઉપર ધનનો હવે વિજય નક્કી થયો. પરંતુ પ્રભુની સાથે સુવર્ણ ફળના ચમત્કારને પણ નમન કરી તેમને અડક્યા વગર પાછા ફરેલા તુલાધારને નિહાળતાં શેઠશેઠાણીનું ધનાભિમાન ગળી ગયું અને બંનેએ ભક્તના પડેલાં પગાંમાંની ચપટી ધૂળ ઊંચકી પોતાને માથે મૂકી.

બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એ ત્રણે કરતાં છેલ્લી વર્ણનો શૂદ્ર ઉચ્ચ કક્ષાનો નીવડ્યો. ચારે ય વર્ણ તુલાધાર ભક્તની ભક્ત બની ગઈ.

તુલાધારનું શું થયું ? એ ગરીબ રહ્યો કે તવંગર બન્યો એ પૂછવાને અધિકાર કોઈને હોઈ શકે ?