પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કમલનયના : ૧૦૧
 

 આસન આપવાને બદલે પોતાની સમક્ષ ઊભા રાખી દેવી સિંહે કહ્યું :

‘જુઓ, ભટ્ટજી ! તમારી સો વીધા જમીન છે, નહિ ?’

‘હા, ઠાકુર સાહેબ | બાદશાહી વખતથી જમીન અમારાં કુટુંબને મળી છે અને તે હજી ચાલ્યા કરે છે.’ જગન્નાથે જવાબ આપ્યો.

‘એનું કાંઈ પણ મહેસૂલ તમે ભરતા નથી, ખરું ?’

‘ના જી ! અમારી સનંદ એ જમીન મહેસૂલમાફીની જમીન ઠરાવે છે.’

‘તો ભટ્ટજી ! સાંભળો. સનંદ આપનારા બાદશાહો તો ગયા; એમની જગ્યાએ કંપની સરકાર આવી છે. એ રાજ્ય પરદેશી અને ધર્મ પણ પરદેશી; એને તો ટુકડો જમીન પણ મહેસૂલમાફીથી કોઈને આપવી નથી. મારા ઉપર સરકારનો હુકમ આવ્યો છે કે પાછલી ત્રણ સાલ સાથે દર વીધે ત્રણ રૂપિયા દીઠ મહેસુલ તમારી પાસેથી ઉઘરાવી લેવું.’ દેવીસિંહે સરકારી હુકમનું જોર જણાવ્યું.

‘મહારાજ ! જૂની સરકારના કોલ નવી સરકારે પણ પાળવા જોઈએ. સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીની આ બાંહેધરી છે.’ ભટ્ટે કહ્યું :

‘હું બધું સમજું છું, પરંતુ સત્તા આગળ શાણપણ નિરર્થક છે. મને તો તત્કાલ વસૂલાતનો હુકમ મળ્યો છે, પરંતુ તમને હું ત્રણ દિવસની મહેતલ આપું છું. એમાં તમારે નવસો રૂપિયા કંપની સરકારના અને સો રૂપિયા મારું નજરાણું ભરી દેવું : નહિ તો ઘર અને મંદિર ઉપર જપ્તી થશે અને કદાચ તમને મારે હેડમાં બાંધવા પડશે.’ દેવીસિંહ માગણીની પાછળ પોતાની સત્તા શું શું કરવાને સમર્થ છે તે પણ દર્શાવી આપ્યું. ભટ્ટે ઘણી આજીજી કરી, સરકારમાં ફરી લખવાને માટે વિનંતી કરી, પરંતુ ભટ્ટનું કાંઈ વળ્યું નહિ અને હજાર રૂપિયા શોધતા તેઓ બેત્રણ દિવસ ગામમાં ફર્યા.

દેવીસિંહને તો એવી જાળ રચવી હતી કે જેમાંથી તેમને