પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪ : હીરાની ચમક
 

 ઝાંખું પડતું રૂપ જોયું... ધારી ધારીને જોયું અને કહ્યું:

‘તમારા પતિને કેદમાં રાખવા પડ્યા છે એથી મને બહુ ખેદ થાય છે.’

‘હા, જી. આપ તો ધાર્મિક પુરુષ છો. આપનો ઇલાજ નહિ ચાલ્યો હોય ત્યારે જ આપે મારા પતિને કેદખાનામાં પૂર્યા હશે.’ કમલનયનાએ કહ્યું.

‘એમ જ હતું. પરંતુ હું તમને ઉપયોગી થઈ પડવાનો પ્રયત્ન કર્યા જ કરું છું.’ દેવીસિંહે કહ્યું.

‘આપની હાકેમી પ્રભુ કાયમ રાખશે.’

‘તમારી જમીન ઉપરનું મહેસૂલ માફ પણ થઈ શકશે અને જમા કરેલા તમારા પૈસા હું તમને પાછા પણ આપી શકીશ.’

‘આવા શુભ સમાચાર માટે પ્રભુ તમારું ભલું કરે. પરંતુ મારા પતિને આપ છૂટા મૂકો એટલે મને સ્વર્ગ મળ્યું એમ હું માનીશ.’

‘એ પણ બની શકશે, એટલું જ નહિ પરંતુ હું એમને આખા નગરના મુખ્ય પુરોહિત પણ બનાવી શકીશ.’ દેવીસિંહે આગળ વધીને કમલનયનાને લાલચ આપી. આ કૃપાની પાછળ કઈ વૃત્તિ રહી છે એનો ખ્યાલ તો કમલનયનાને ક્યારનો આવી ગયો હતો. પરંતુ હજી સુધી દેવીસિંહે વાંધો લઈ શકાય એવી એક પણ સૂચના કરી ન હતી – સિવાય કે એની આંખ ને એના મુખ ઉપર એ સૂચનાની રેખાઓ ઊપસી આવેલી કમલનયનાએ ક્યારની જોઈ હતી. નગરના મુખ્ય પુરહિત બનાવવાની વાત કમલનયનાએ સાંભળી એટલે એને પણ કહેવું પડ્યું :

‘ઠાકુરર સાહેબ ! આવી સજ્જનતા માટે આશીર્વાદ સિવાય હું બીજું શું આપી શકું ?’

‘કમલનયના ! હવે તને ધીમે ધીમે સમજ પડતી જાય છે કે તારી પાસે આશીર્વાદ સિવાય બદલામાં ઘણું ધણું આપવાનું છે જ.’ દેવાસિંહે કમલનયનાના વક્તવ્યનો આ ઢબે ઉપયોગ કર્યો અને પોતાની વૃત્તિ દર્શાવવાનો મોકો મેળવ્યો.