પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કમલનયના : ૧૦૫
 

 ‘બીજું કાંઈ નથી મારી પાસે, હાકેમ સાહેબ ! અમે તો ગરીબ માનવી રહ્યાં – આપનાં બચ્ચાં સરખાં ?’

‘સહુએ — ગરીબ અને તવંગરે — હાકેમને ખંડણી કે કર તો આપવો જોઈએ ને ? હું તારા કુટુંબને એકદમ સુખી કરી શકું એમ છું, જો તું મારી એક વાત કબૂલ રાખે તો.’

‘એવી કઈ વાત છે, જે આપ કહો ને હું કબૂલ ન કરી શકું? આપ એવું કંઈ કહેશો જ નહિ એવી મારી ખાતરી છે.’

‘તું સમજે તો બહુ નાની સરખી વાત છે. અઠવાડિયામાં એક દિવસ તું મારે મહેલે આવ, રાત્રિ મારી સાથે ગાળ, અને બીજી સવારે તારી દેવસેવા માટે તારે મંદિરે પાછી ચાલી જા. અઠવાડિયામાં એક દિવસ કરતાં હું વધારે કંઈ માગતો નથી.’ દેવીસિંહ ધીમે ધીમે મક્કમપણે ને ભાર મૂકીને પોતાની હકીકત કમલનયનાને કહી સંભળાવી.

કમલનયનાની આંખમાં વીજળી ચમકી ઊઠી. છતાં એ વીજળીને પોતાના હૃદયમાં સમાવીને તેણે જવાબ આપ્યો :

‘ઠાકુર સાહેબ ! એ વસ્તુ મારા કે તમારા શબ ઉપર જ બની શકે. હું આઠે પહોર કટાર સાથે રાખીને જ ફરું છું.’

‘કટાર ! વારું. કટાર શું કરી શકે છે તેની તને કાલે જ સમજ પડી જશે... જો આજ રાત્રે મારા કહ્યા પ્રમાણે તું નહિ આવે તો.‘’ દેવીસિંહે સામી ધમકી આપી.

‘ઠાકુર સાહેબ ! આપનું સ્થાન તો રાજમહેલ છે, જાહેર સ્થાન છે, દેવદર્શન સરખું સ્થાન છે. એમાં રાત્રે મારાથી કેમ અવાય?’ કમલનયનાએ જવાબ આપ્યો.

‘એની તું ચિંતા ન રાખીશ. હું શયનગૃહમાં હોઉં કે સિંહાસન ઉપર હોઉં, તને ત્યાં આવતાં કોઈ પણ ન રોકે એવો બંદોબસ્ત આજે થઈ જ ગયો છે એમ માનજે.’

‘વારુ.’ કહી કમલનયનાએ મુખ ફેરવી લીધું. દેવીસિંહે ધાર્યું કે તેના પ્રેમને સ્વીકારતી આ લાવણ્યવતી લલના જરા શરમાઈ અને