પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯ : હીરાની ચમક
 


આવા ક્રૂર હુકમને બદલે બીજી કોઈ આકર્ષક ભેટ મોકલી હોત તો સ્ત્રીહૃદય વહેલું જિતાયું હોત પરંતુ હાકેમના હુકમો થઈ જાય છે ને તે અમલમાં પણ મુકાઈ જાય છે. એકાદ માનવજંતુ એના હુકમને આધારે કચરાઈ, ભીંસાઈ, અલોપ થઈ જાય તો તેમાં સેંકડો, હજારો અને લાખો માનવીઓ ઉપર સત્તા ભોગવતા હાકેમને બહુ અરેકારો રાખવાની જરૂર ન હતી. વીરત્વભરી હાકેમી છૂટા પડેલાં ધડાડોકાથી વ્યથિત થવી ન જ જોઈએ. દેવીસિંહે ખડખડ હાસ્ય કર્યું અને કમલનયનાને કહ્યું :

‘હાકેમ છું. મારો બોલ હતો કે તું રાત્રિએ નહિ આવે તો કટારનો પરચો તને થશે... હવે જે થયું તે ભૂલી જા, અને મારી આજ્ઞા પ્રમાણે વર્તવાનું શરૂ કર.’

‘હા જી. હું આપને દસ-પંદર ક્ષણ આપું છું એટલી ક્ષણ પછી તમે અને હું જે થયું તે ભૂલી જઈશું. પરંતુ તમને યાદ હશે કે મેં મારો પણ બોલ તમને કહ્યો હતો અને એ બોલ સાચો પાડવા માટે જ હું અહીં આવી છું.’ કમલનયનાએ કહ્યું. અને તેના બોલમાં અને તેની આંખમાં પ્રત્યેક ક્ષણે ધમકી વધતી જતી હતી.

‘કયો બોલ ?’

‘સંભારી આપું? હું આઠે પ્રહર કટાર સાથે રાખીને ફરું છું.’ કમલનયનાએ કહ્યું ને તેણે પોતાના વસ્ત્રમાં છુપાવેલી કટાર બહાર કાઢી ને એ બે ડગલાં આગળ વધી. દેવીસિંહ હવે ચમક્યો. તેને લાગ્યું કે તેણે પોતાની આસપાસ પોતાના અનુચરોને રાખ્યા હોત તો વધારે સારું થાત. ઘેલછાભરી એક ચંડિકા સામે તે એકલો જ હતો. તેણે એકાએક જોરથી બૂમ પાડી અને કહ્યું :

‘અરે, કોણ છે? જે છે તે અહીં આવો અને આ ખૂની સ્ત્રીને પકડો.’

એ બૂમ આખા રાજમહેલમાં ફરી વળી. બૂમ સાંભળીને રક્ષકો, અનુચરો, કારિંદાઓ અને અંતઃપુરની સ્ત્રીઓ દોડીને દેવીસિંહને શયનખંડમાં આવી પહોંચ્યાં ખરાં, પરંતુ આવતાં બરાબર તેમણે