પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મોક્ષ

પતિ—પત્ની—પુત્રની ત્રિરેષા



પ્રાચીન આર્ય યૌવનને તપનો ભારે શોખ. વનશ્રી ચારે પાસ ખીલી રહી હોય, સૃષ્ટિસૌંદર્ય સૃષ્ટિમાં સમાતું ન હોય. નદીઓ ખળખળ વહી રહી હોય, સુરીલાં પક્ષીઓ સંગીત વહાવી રહ્યાં હોય, અને એકાંત યૌવનને બહેકાવવા જાળ પાથરી રહ્યું હોય ત્યારે પણ આર્ય યુવકને તપ ગમે, સૌંદર્યના સર્જક તત્ત્વને શોધવાનું ગમે અને સૌંદર્ય કરતાં સૌંદર્યને અધિષ્ઠાનરૂપ બ્રહ્મનો સાક્ષાત્કાર કરવાનું ગમે.

એવો એક તપસ્વી કર્દમ, સિદ્ધક્ષેત્રની એક વનમાલામાં એકાંતિક પદ્માસન વાળી તપ કરતો બેઠો હતો, અને આખી સૃષ્ટિને સમેટીને સૃષ્ટિના અર્કરૂપ કોઈ મહાતત્ત્વની સાથે એકતા સાધી રહ્યો હતો. એકાએક તેને કાને કંઈક સાદ સંભળાયો અને તેની આંખ ઊઘડી ગઈ. આંખે કશું જોયું તો નહિ, પરંતુ કાને સંબોધન સાંભળ્યા કર્યું : ‘કર્દમ ! કર્દમ !’

તપ કરતા યુવકનું નામ કર્દમ જ હતું. તેણે ચારે પાસ નજર નાખી, દેખાયું તો કોઈ નહિ, પરંતુ સાદ સંભળાયા કર્યો : કર્દમ ! કર્દમ !’

‘આપ કોણ છો ? મને કેમ બોલાવો છો ? મારું ધ્યાન આપના સંબોધનથી ખંડિત થાય છે.’ કર્દમે સામે સાદ કર્યો.

‘તું જેનું ધ્યાન કરે છે તે જ હું છું.’ જવાબ મળ્યો.

‘શું આપ પરબ્રહ્મ છો ? તો મને પ્રત્યક્ષ થાઓ.’