પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોક્ષ : ૧૧૩
 


‘પરબ્રહ્મનાં વિશિષ્ટ સ્વરૂપો હોય છે. કહે, કયે સ્વરૂપે હું વ્યક્ત થાઉં ?’

‘બ્રહ્માનાં તો મને દર્શન થયાં છે. વિષ્ણુદર્શન માંગું ?’

‘ભલે, તને વિષ્ણુદર્શન થશે જ. પરંતુ બ્રહ્માએ તને શી આજ્ઞા આપી હતી તે તને યાદ છે ખરી ?’ અગમ્ય સાદે કહ્યું.

‘હેં ! હા હા; મને પ્રજા ઉત્પન્ન કરી પ્રજાપતિ બનવાની આજ્ઞા બ્રહ્માએ આપી હતી !’ કર્દમે જવાબ આપ્યો.

‘અને તેને બદલે તું એકલો એકલો તપ કરી રહ્યો છે ! ત૫ સારું છે, સાચું છે પરંતુ જરૂર પડે ત્યારે પ્રજોત્પત્તિ કરી, જીવન પ્રવાહને ચાલુ રાખો એ પણ તપકાર્ય બની રહે છે.’ અદૃશ્ય દેવનો સાદ સંભળાયો.

‘વાત સાચી, પ્રભો ! પરંતુ જીવનને સૌંદર્ય બનાવે એવી પત્ની અને પરબ્રહ્મને માનવાકાર આપે એવો પુત્ર મળે તો પ્રજોત્પત્તિનો કંઈ અર્થ. માનવ જંતુઓ ઉપજાવવા માટે બે-પાંચ વર્ષમાં સૌંદર્ય અને વિલાસ ખંખેરી નાખતી અલ્પયૌવના સ્ત્રી સાથે સંસાર માંડવામાં શો અર્થ રહ્યો છે, પ્રભો ?’ યુવાન તપસ્વી કર્દમે પોતાની પ્રજાપતિની વ્યાખ્યાને સ્પષ્ટ કરી.

અવકાશમાં અમૂર્ત પણ મધુર હાસ્ય ગુંજી રહ્યું. હસતાં હસતાં અદૃશ્ય પ્રભુએ પૂછ્યું :

‘તો તારી વાંછના સ્પષ્ટ કર. હું તે તૃપ્ત કરીશ.’

‘ભગવાન ! આપ મને પ્રજાપતિ બનવાની આજ્ઞા આપતા હો તો આપ પોતે જ મારા પુત્ર બનીને અવતાર ધારણ કરો. પ્રભુને જન્માવી ન શકે એ પ્રજાપતિ, પ્રજાપતિ નામને યોગ્ય નથી.’ યુવાન કર્દમે પ્રભુને જ પકડ્યા.

અદૃશ્ય દેવ હજી પણ વધારે રાજી થયા અને તેમણે કહ્યું :

‘કર્દમ ! તેં તો તપ કરીને પ્રજાપતિની પાત્રના સિદ્ધ કરી છે. તારા પુત્રરૂપે અવતાર ધારણ કરવામાં હું જરા યે શરમાઈશ નહિ. મારું વરદાન છે કે હું તારા પુત્રરૂપે જન્મ ધારણ કરીશ.’