પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪ : હીરાની ચમક
 



‘મારું અહોભાગ્ય !… પણ પ્રભો ! આપને જન્મ આપે એવી કોઈ તેજસ્વી પત્ની હું ન મેળવું ત્યાં સુધી તો આપનો અવતાર અસંભવિત જ રહે ને ?’ કર્દમે પ્રજાપતિ બનવાની પાત્રતામાં જનનશાસ્ત્રનું પણ જ્ઞાન બતાવ્યું, અદૃશ્ય પ્રભુને ફરી પાછા હસાવ્યા.

‘સમજ્યો, સમજ્યો, યુવાન કર્દમ ! ત્રણ દિવસમાં જ તારી પાસે તારી ભાવિ પત્ની આવે છે. ત્રણ દિવસમાં જે યુવતી તારી આંખને ખેંચે તે યુવતી તારી પત્ની બનશે... અને તે એવી પત્ની બનશે કે જેની રસભાવના તારા સંન્યાસથી પણ આગળ દોડતી હશે. બસ ને ? સતત સૌંદર્ય અને સતત યૌવનવતી સ્ત્રી વગર હું કેમ કરીને જન્મ લઈ શકું ?... કારણ હું પોતે જ ચિરંજીવી સૌંદર્ય અને ચિરંજીવી યૌવન છું. જા આશ્રમમાં, અને પત્નીની રાહ જોતો બેસ... બને તો તારો ભુલાઈ ગયેલો રસશાસ્ત્રનો અભ્યાસ યાદ કરી જો !’ પ્રભુનો જવાબ મળ્યો અને સાદ આસરી ગયો.

કર્દમને પણ લાગ્યું કે પ્રભુ તપના ફળરૂપે પ્રગટ થયા અને પોતાને બ્રહ્મમય બનવાને બદલે જીવનનું સાતત્ય રચવાની આજ્ઞા આપતા ગયા.

એ તે સાચેસાચ પ્રભુ — વિષ્ણુ ભગવાન — હશે ? કે આ અદ્‌ભુત વનનું સૌંદર્ય બોલી ઊઠ્યું હશે ?

કદાચ કર્દમના યૌવને તો આ ટહુકો નહિ કર્યો હોય ? તો ય શું ? પ્રભુનું સ્વરૂપ ધારણ કરીને યૌવન બોલ્યું તો પણ તે પ્રભુનો જ સાદ હતો. પ્રભુનો સાચો સાદ હોય તો ત્રણ દિવસમાં તેની આંખને આકર્ષતી કોઈ સુંદરી તેને મળ્યા વગર નહિ જ રહે.

પરબ્રહ્મની એકતા સાધતો યુવાન મુનિ કોઈ યુવતીની રાહ જોવા લાગ્યો. પ્રભુને મેળવવાના કેટકેટલા ય માર્ગો હોય છે. સૌંદર્યદર્શન અને સૌંદર્ય ઉપભોગ એ પણ પ્રભુને પામવાનાં પગથિયાંમાંનું એક હોય એમ કોણ કહી શકે ? તેના આશ્રમમાં મયૂર ટહુકવા લાગ્યા. કોકિલાનાં કૂજન રેલાવા લાગ્યાં, અરે બપૈયા પિયુ પિયુ બોલતા ઊડવા પણ લાગ્યા.