પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬ : હીરાની ચમક
 

 જવાબ આપ્યો.

‘ત્યારે તો... બ્રહ્માવર્ત ના સમ્રાટ, મનુ મહારાજનાં આપ પુત્રી ! અહીં ક્યાંથી?’

‘આપને ખબર નથી ? મારા પિતા લાવલશ્કર સાથે આજે અહીં પાસે જ પડાવ નાખી રહ્યા છે. હું તથા માતા શતરૂપા સાથે જ ચાલ્યાં આવ્યાં છીએ. આપ અને પિતાજી મળી ન શકો !’ દેવહૂતિએ કહ્યું. દેવહૂતિની વાણી વાદ્યતંત્ર સમી મીઠી હતી. એ સાંભળવાની કર્દમને આપોઆપ ઈચ્છા થઈ. કર્દમે વાત લંબાવી :

‘પ્રભાતમાં મને લાગ્યું ખરું કે પાસેથી કોઈ સૈન્ય પસાર થાય છે. પરંતુ હું તો ધ્યાનમાં હતો એટલે કોનું સૈન્ય છે એની તપાસ ન કરી...... અને મારા જેવા આશ્રમવાસીને જરૂર પણ શી ? અલબત્ત આપના પિતાનાં દર્શન હું જરૂર કરીશ. એ રાજર્ષિ મુનિઓને પણ પૂજ્ય છે... પરંતુ મને તો આપે ઓળખ્યો નથી અને આમંત્રણ કેમ આપો છો ?’

‘તો હવે ઓળખાણ આપો.’ દેહહૂતિએ જરા ય સંકોચ વગર જવાબ આપ્યો.

‘એ ઓળખાણને શું કરશો, રાજકુમારી ? બધા યે ઋષિઓ અને ઋષિપુત્રો સરખા. આશ્રમના એકાંતમાં રહે અને આત્મા–પરમાત્માને ઓળખવા મથે.’ કર્દમે કહ્યું.

‘તમને આત્મા કે પરમાત્મા ઓળખાયા ખરા?’ દેવહૂતિએ પૂછ્યું. અને કર્દમને આ નિર્દોષ દેખાતા પરંતુ અત્યંત કૂટ પ્રશ્નને સાંભળીને સહજ હસવું આવ્યું. કર્દમનું હાસ્ય દેવહૂતિને ગમી ગયું. હસતાં હસતાં કર્દમે જવાબ આપ્યો :

‘ભાસ થાય છે, ભ્રમ થાય છે; પણ હજી આત્મા કે પરમાત્મા પકડાયા નથી.’

‘ક્યાં સુધીમાં એ બની શકશે?’ દેવહૂતિએ પૂછ્યું.

‘એ તો જેવો મારો પુરુષાર્થ. ધ્યાનમાં વધારે સમય ગાળું, અનિત્ય વિશ્વને ભૂલી જાઉં અને કોઈ પણ પ્રકારના લોભ-મોહમાં