પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગ્રામશિક્ષકનું એક ગૌરવ

શિક્ષકના જીવનમાં સાહસ ક્યાંથી હોય ? અને તે શિક્ષક પણ વળી ગામડાનો ! ગિરિજાશંકર માસ્તર ઠીક ઠીક ભણ્યા હતા. ભણતરના લાભ સમજતા પણ હતા, અને મોટા કુટુંબનું તેમને પોષણ કરવાનું હોવાથી તેમણે તાત્કાલિક મળી ગયેલી શિક્ષકની નોકરી પોતાના જ ગામડામાં સ્વીકારી લીધી હતી. માતા, પિતા, ભાઈ, ભાંડું, પુત્ર, પરિવાર, એ સૌનો આધાર તેમની નોકરી ઉપર જ હતો. માતા - પિતા તેમની સતત સેવા માગે એવી પરિસ્થિતિમાં હોવાથી ગિરિજા શંકરથી ગામ છોડીને બહાર નીકળાય એમ હતું જ નહિ એટલે ગામમાં ને ગામમાં તેમણે માસ્તરગીરી કરી, સરકારી પ્રાથમિક શાળા લાંબા સમય સુધી ચલાવી અને વર્ષોવર્ષ નવનવા વિદ્યાર્થીઓને તેમણે તૈયાર કર્યા.

વિદ્યાર્થીઓની ગ્રામશાળામાં તૈયારી એટલે કોઇ બહુ મોટી વાત નહિ. ચારપાંચ ચોપડી ભણી, થોડી ઘણી કવિતાઓ મોઢે કરી, લેખાં હિસાબની મૂળ વાત સમજી, વિદ્યાર્થીઓ શાળામાંથી બહાર પડતા અને ખેતી, મજૂરી કે સુથારી લુહારી ધંધામાં પડી શાળાને અને ભણતરને એક સ્વપ્ન સરખો આભાસ બનાવી દેતા. ગિરિજાશંકર માસ્તરે શીખવેલી કેટલીક કવિતાઓ કેટલાક ગ્રામનિવાસીઓને મોઢે ચઢી ગયેલી. એટલે મજૂરી કરતાં, ધાર્મિક ભાવો ઊભરાઈ આવતાં, અગર જીવનથી કંટાળતાં કદી કદી એ કવિતાઓ ગામવાસીઓને મુખેથી સરી પડતી. અને કદાચ કોઈ સરકારી કાગળમાં કે દસ્તાવેજમાં સહી સાક્ષી કરવાં ૫ડે તો સહીના અક્ષરો લાંબા ટૂંકા લખાઈ