પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮ : હીરાની ચમક
 



અક્ષરો દેવહૂતિની નાની નાની આકૃતિઓ રચતા હોય એમ મુને કર્દમને લાગવા માંડ્યું. મુનિના સાત્ત્વિક હૃદય સામે કોઈ ભરતી ચઢી આવતી હતી. અનિવાર્ય બળને ટાળવા મથવું એનાં કરતાં એ બળભેગા બળના પ્રવાહ તરફ જ તરવું એ ઘણી વાર સાચો માર્ગ બની રહે છે. લોભ અને મોહથી દૂર રહેવાનું શિક્ષણ તેમને સાધ્ય જ હતું. તો પછી આ દેવહૂતિનું દર્શન મોહ ઉપજાવી જતું તો નહિ હોય? એ વિચાર આવતાં જ તેમને ત્રણ દિવસ ઉપરનું આકાશ. ભાષિત યાદ આવ્યું... સતત સૌંદર્ય વગર પ્રભુ શી રીતે જન્મી શકે?... કર્દમની આંખને ખેંચનારી પહેલી સ્ત્રી તેની પત્ની બનશે એવું આકાશભાષિત શું સત્ય નીવડવાનું હશે?... પરંતુ ક્યાં ચક્રવર્તી રાજવી મનુ અને ક્યાં આશ્રમનિવાસી નિષ્કિંચન કર્દમ? બેના સંબંધ શક્ય જ ન હતા. ત્યારે એ રાજકુમારીએ એકાંતમાં લાંબા સમય ઊભા રહી કર્દમની સાથે શા માટે વાતચીત કરી ?... કદાચ રાજવૈભવ જોઈ જોઈને કંટાળેલી રાજકુમારીને અરણ્ય જોવાનું મન થાય, વનમાલા નિહાળવાનું મન થાય, તેમાં કર્દમ પોતે એક વનમાનવી તરીકે દેવહૂતિની જિજ્ઞાસા ઉશ્કેરી શક્યો હોય એટલું જ શક્ય તેને લાગ્યું. મન ઉપર અસાધારણ કાબૂ મેળવી ચૂકેલા કર્દમે મનની કળ ફેરવી નાખી અને પ્રભુસ્મરણમાંથી નિદ્રામાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન સફળ થયો ખરો. કર્દમને નિદ્રા આવી પણ ખરી, પરંતુ નિંદ્રામાં તેને પ્રભુ પણ સ્ત્રી સ્વરૂપે દેખાયા. અને એ સ્ત્રી તે સંધ્યાકાળે નિહાળેલી દેવહૂતિ જ હતી એમ પણ જાગૃત થતાં કર્દમને યાદ આવ્યું !

રાત્રિનાં સ્વપ્ન સંભારણાં વિચારતો કર્દમ પ્રાતઃ હોમહવનમાં રોકાયો હતો. અને એકાએક તેને કર્ણે માનવી, અશ્વ અને રથના અવાજ નજીક આવતા સંભળાયા. સમ્રાટ મનુ કદાચ તેના આશ્રમની પાસે થઈને પોતાને માર્ગે જતા હોય એમ કર્દમે માની લીધું. અને