પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોક્ષ : ૧૨૧
 


શતરૂપાએ કર્દમના એક શબ્દનો લાભ લેવા પ્રયત્ન કર્યો.

‘કદી કદી લાગે પરંતુ કોઈક વાર શિષ્ય અહીં રહી શાસ્ત્ર શીખે. અને નહિ તો મારી એકબે ગાય, સસલાં અને હરણ, મોર અને મેનાપોપટ, મારું એકાંત હળવું બનાવે ખરાં. અને અંતે પ્રભુ તો સભર ભરેલો જ છે ને ?’ કર્દમે એકાંતનો ઉકેલ બતાવ્યો.

‘પરંતુ આપને માનવીનો સહવાસ વધારે રુચિકર ન લાગે શું ?’ રાણીએ પૂછ્યું.

‘રુચિકર જરૂર લાગે.’ કર્દમે કહ્યું.

‘તો આપ કોઈ સાથીનો વિચાર કેમ કરતા નથી ? ઋષિઆશ્રમોમાં ઋષિપત્ની તો અવશ્ય જોઈએ જ. તે વગર આશ્રમ અધૂરો રહે.’ મહારાજ મનુએ આશ્રમની ખામી તરફ લક્ષ દોર્યું.

ઋષિ કર્દમ સહજ હસ્યા અને બોલ્યા :

‘એનો જ્યારે યોગ આવે ત્યારે ખરો; હજી સુધી તો મારો આશ્રમ ઋષિપત્ની વિહોણો છે એ વાત સાચી.’

કર્દમને દેવહૂતિ તરફ તે જ ક્ષણે નજર કરવાનું મન થયું. પરંતુ એ મન ઉપર તેમણે અંકુશ મૂકી દીધો. પરંતુ દેવહૂતિની આંખ ક્યારનીયે કર્દમના દેહને કેન્દ્ર બનાવી રહી હતી. માતાપિતાની અનુભવી દૃષ્ટિ આ વસ્તુસ્થિતિ પરખ્યા વગર રહે એમ ન હતું. મહારાણી શતરૂપાએ ઝડપથી કહ્યું :

‘એ યોગ અમે લાવી આપીએ તો ?’

‘આપ તો કૃપાળુ છો જ, પરંતુ એવા યોગ તો વિધિએ લલાટે જ લખેલા હોય છે. પ્રભુ તેમને પ્રત્યક્ષ કરી શકે.’ કર્દમે કહ્યું – જરા ચમકીને.

‘પ્રભુ ઘણી યે વાર માનવીને પોતાના ઉદ્દેશ અને આશયનું સાધન બનાવે છે એમ તો આપ કબૂલ કરશો ને ?’ મનુએ જ્ઞાની ઋષિ સમજે એવી ઢબે વ્યવહાર વાત રજૂ કરી.

‘અવશ્ય. પ્રભુ કોને સાધન ન બનાવે કહેવાય એમ નથી.’ કર્દમે રાજવીના કથનને સંમતિ આપી.