પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨ : હીરાની ચમક
 

 ‘તો આ૫ માની લ્યો કે અમે જ પ્રભુના સાધન બની આવ્યાં છીએ; અને આપના આશ્રમને સાચવવા એક સહધર્મચારીણી મૂકી જઈએ છીએ.’ શતરૂપાએ કહ્યું અને કર્દમે દેહહૂતિ તરફ નજર કરી. દેવહૂતિની નજર તેના પોતાના પગઅંગૂઠા તરફ વળી.

‘હું કાંઈ સમજી શક્યો નહિ, મહારાજ ! સિવાય કે આપની અને મહારાણીની મારા ઉપર ઘણી કૃપા વરસી રહી છે.’

અને મહારાજ મનુએ અને મહારાણી શતરૂપાએ જે સમજ ઋષિને નહોતી પડતી કે અડધી પડધી હતી, તે સમજ પૂરેપૂરી પાડી.

મનુ—શતરૂપાની પુત્રી દેવહૂતિ સકલકલાસંપન્ન હતી; અને આજ સુધી એના હૃદયને ગોઠે એવો પુરુષ એને જડ્યો ન હતો. હવે કર્દમમાં એને ગમતી આકૃતિ દેખાઈ એટલે એ કર્દમને વરવા માટે આતુર હતી. એટલું જ નહિ, પરંતુ કર્દમને મળતાં દેવહૂતિનાં માતાપિતાની પણ એવા જ પ્રકારની ભાવના થઈ ચૂકી હતી.

ઋષિ કર્દમને છેલા ત્રણચાર દિવસોના અનુભવને અંતે આપોઆપ સર્જાતો આ યોગ ગમ્યો તો ખરો, છતાં એ ખરેખર આ જવાબદારી લઈ શકે કે કેમ તેની એને શંકા પડી. અને તેણે કહ્યું :

‘નહિ, મહારાજ ! હું નિષ્કિંચન આશ્રમવાસી, અને દેવહૂતિ એક ચક્રવર્તી રાજવીની રાજકુમારી ! આ સાધનવિહીન આશ્રમમાં એને રાખી દુઃખી કરવાનું પાપ હું માથે ન લઉં.’

ઈશ્વરને શોધતા કર્દમ મુનિના મુખ ઉપર લગ્નની શક્યતાએ વિકલતા ઉપજાવી. મનુ અને શતરૂપા સહજ હસ્યાં; અને દેવહૂતિનું મુખ પણ આ વિકલતા નિહાળી સહજ મલકાયું. મનુએ વિકલ બનેલા કર્દમને સ્મિતસહ જવાબ આપ્યો :

‘આ દેવહૂતિને રાજવીઓ અને રાજકુમારો ગમતા જ નથી. કોણ જાણે કેમ, એની દૃષ્ટિ મુનિવરો તરફ જ વળે છે અને કાલે આપને નિહાળી એણે લગ્નનો નિર્ણય કરી જ નાખ્યો છે. એ વૈભવમાં ઊછરી છે છતાં એને તપોવન અને પર્ણકુટિ નહિ ફાવે એમ ન માનશો. એ તો મહાલયમાં પણ મૃગચર્મો જ પાથરે છે.’