પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોક્ષ : ૧૨૩
 


‘અને નવખંડ ભૂમિના ચક્રવર્તી મનુને પુત્રીના સુખ માટે અરણ્યમાં પણ ઉદ્યાન રચતાં ક્યાં વાર લાગે એમ છે ?’ મહારાણી શતરૂપાએ કર્દમના પ્રશ્નનો સરળતાભર્યો ઉકેલ રજૂ કર્યો – જોકે એ ઉકેલ કર્દમને કે દેવહૂતિને ગમ્યો નહિ; કદાચ રાજાને ગમ્યો હશે.

અંતે કર્દમના સંકોચ ઉપર મનુના આગ્રહે વિજય મેળવ્યો. કર્દમ અને દેવહૂતિના વેદોક્ત વિધિથી લગ્ન થયાં, અને રાજકુમારી દેવહૂતિ તપસ્વી કર્દમની ઋષિપત્ની બનીને આશ્રમને – અને કર્દમને સંભાળતી આશ્રમરાણી બની ગઈ.

કર્દમના આશ્રમમાં દેવહૂતિનો પ્રવેશ થતાં કેટલી યે અવ્યવસ્થા સુવ્યવસ્થા બની ગઈ. પર્ણકુટિની ભીંતે આશ્રમો, દેવસભાઓ અને પ્રકૃતિનાં ચિત્રો દોરાવા લાગ્યાં. પર્ણકુટિની સાદી ભૂમિ ઉપર ઓકળીઓ ઓપવા માંડી. આશ્રમને ઝાંપે અને પર્ણકુટિને દ્વારે જાઈજૂઈની વેલીઓ કમાન બનીને શોભવા લાગી. ગાય એક હતી તેની પાંચ થઈ અને તેની શિંગડીઓ રંગાવા લાગી. અનાજ ઉપજાવતી જમીન અને ઉદ્યાન ઉપજાવતી જમીન જુદી પડી ગઈ, અને મોટાં મોટાં વૃક્ષોએ બેત્રણ ઝૂલા પણ બંધાઈ ચૂક્યા. એ ઝૂલા ઉપર દેવહૂતિ પણ બેસતી અને તપ ન કરતા હોય ત્યારે કર્દમ પણ બેસતા. બ્રહ્માનંદ કરતાં સંસારાનંદ ઊતરતો હોય એમ કર્દમને લાગ્યું નહિ. પતિને પત્નીના અને પત્નીને પતિના સાહચર્યમાં પોતાની ઊણપો પુરાતી લાગી, અને દેહે તથા હૃદયે કદી ન અનુભવેલા નવનવા આનંદ ઉલ્લાસ ઊકલવા લાગ્યા, દેવહૂતિ માતા બની ચૂકી, કર્દમ પિતા બની ચૂક્યા અને આમ ગાર્હસ્થ્યનાં નવનવાં પડ ઊકલવા લાગ્યાં. દેવહૂતિને આશ્રમમાં, આશ્રમની વસ્તુઓમાં, વસ્તુઓના ઉપભોગમાં અને પુત્રીઓની પરંપરામાં આનંદ અને મમત્વ ઊપજવા લાગ્યાં. પરંતુ ધીમે ધીમે ઋષિ કર્દમને સમજાવા લાગ્યું કે સંસારનો ઉપભોગ તેમને મોક્ષમાર્ગથી જૂદે જ માર્ગે ડગલાં ભરાવી રહ્યો હતો. એક