પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬ : હીરાની ચમક
 


વ્યવહારકામમાં લાગતા હતા તે ચાલ્યા ગયા, એટલે તેમનું કામ પણ દેવહૂતિને માથે આવી પડ્યું. તેનું પોતાનું કામ હતું તે ઉપરાંત પુત્રીઓને ભણાવવાની હતી. પરણવવાની હતી, પુરુષ સમોવડી બનાવવાની હતી; નાનકડા કપિલને યોગ્ય સ્થાન આપવાનું હતું, અને તેને વ્યવહારકુશળ આર્ય અને આધ્યાત્મિક કુશળ ઋષિ પણ બનાવવાનો હતો. આશ્રમમાં કૃષિ અને બાગબગીચા તો સાચવવાના હતા જ પશુપાલનને તો ભુલાય જ કેમ ? અને આર્યોના આશ્રમમાં યજ્ઞયાગાદિ ક્રિયાઓ તો ચાલુ રહેવી જ જોઈએ. દેવહૂતિ હતી તો ચક્રવતી મનુની પુત્રી, પરંતુ આશ્રમવાસી મુનિ સાથે પરણ્યા પછી, આર્ય સન્નારીના આદર્શને અનુસરીને, તેણે કદી પિતૃગૃહનો આશ્રય શોધ્યો જ ન હતો. આમ પતિ જતાં દેવહૂતિને વ્યવહાર વધારે વળગ્યો.

કિશોર કપિલ દેવહૂતિના વ્યવહારકાર્યમાં ભાગ્યે જ ઉપયોગી નીવડતો. પિતાની માફક જ્ઞાન મેળવવું અને ધ્યાનમાં રોકાવું, એ જ એનાં મુખ્ય કર્તવ્ય બની રહ્યાં. કપિલના જ્ઞાનની અને તપની કીર્તિ ચારે પાસ ફેલાઈ ગઈ. અને અત્યંત નાનું વય છતાં શિષ્યોનો સમુદાય ઘણો વધવા લાગ્યો અને પીઢ ઋષિમુનિઓ પણ કપિલનો સમાગમ સેવવા મોટા પ્રમાણમાં આવવા લાગ્યા. પુત્રીઓ તો મહર્ષિઓને પરણી ચાલી ગઈ. અને આશ્રમનું ભારણ દેવહૂતિના માથેથી જરા યે ઓછું થયું નહિ. આશ્રમની વ્યવસ્થા સાચવતાં સાચવતાં ઘણી વાર માતા દેવહૂતિ થાકી પણ જતાં. પુત્રપ્રેમ એટલો ભવ્ય હતો કે થાકને પણ ન ગણકારીને તેને કપિલને જ્ઞાનધ્યાનનો માર્ગ સરળ કરતાં જતાં હતાં.

ઋષિઓની એક મોટી જમાત આશ્રમમાંથી વિદાય થઈ અને મા-દીકરો આશ્રમમાં ઘણે દિવસે એકલાં પડ્યાં. થાકી ગયેલી માતાને ક્ષણભર નિંદ્રા આવી. પુત્રે માતાનું મસ્તક મૂકવા પોતાનો અંક આપ્યો, અને જ્ઞાની પુત્રના પડછાયામાં માતા સૂઈ ગઈ.

એ થોડીક ક્ષણની નિદ્રામાં પણ દેવહૂતિને સંસારનાં જ સ્વપ્ન