પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોક્ષ : ૧૨૭
 


આવ્યે ગયાં. પિતાનો વૈભવ, કર્દમનો પ્રેમ, પોતાની જ્ઞાનવિશિષ્ટતા, આશ્રમની સંભાળ અને સંભાળમાંથી લાગતો થાક, એ સ્વપ્નમાં પણ તેમને પીડવા લાગ્યાં. નિંદ્રામાંથી દેવહૂતિ ઊઠ્યાં અને તે પણ થાક સાથે. કંટાળીને તેમણે કહ્યું :

નિદ્રામાં યે આ સંસાર મને છોડતો નથી. દીકરા ! હવે આ સંસારભાર તમે ઉપાડી લ્યો.

‘મા ! કયો સંસાર ? કયો સંસાર બા ? અને કોણ ઉપાડી લે ? એમાંથી મન ખસેડી લેવાય તો એ ભાર આપોઆપ ઊકલી જ જવાનો છે.’ ? કપિલે માતાને કહ્યું.

‘મન ખેંચી લઉં તો, દીકરા ! તારી સંભાળ કોણ રાખશે ? આ આશ્રમ કેમ ચાલે ? અતિથિનો સત્કાર કોણ કરે ?’

‘મા ! તમે અહીં ન હતાં ત્યારે પિતાજી આશ્રમ ચલાવતા. તમે આવ્યા એટલે પિતાજીએ આશ્રમને ફેંકી દીધો, અને તમે વધતો જતો ભાર ઊપડ્યો. એ ભાર તમે ફેંકી દેશો તે દિવસે પણ આ આશ્રમ તો ચાલ્યા જ કરશે ! નહિ ?’

‘મને ન સમજાયું. આ કેળોને પાણી કોણ પાય ? તુલસીક્યારાની મંજરીઓ કોણ ચૂંટે ? ગાયોને સંભાળે કોણ ?…’

કપિલ મુનિએ સહજ સ્મિત કર્યું, અને સંસારની પાછળ રહેલાં પ્રકૃતિનાં ચોવીસ તત્ત્વો અને એ તત્ત્વોને જીવંત બનાવનાર પુરુષ સંબંધી આંખનાં પડળ ઊઘડી જાય એવું જ્ઞાનદર્શન માતાને કરાવ્યું. માતાએ પુત્રમાં વિષ્ણુનાં દર્શન કર્યા. આંખમાંથી બે અશ્રુ બિન્દુ પાડ્યાં : જેની સાક્ષી આજ પણ સિદ્ધપુરમાં બિન્દુ સરોવર પૂરી પાડે છે. અને હૃદયમાંથી સંસારભાર એટલો હળવો બનાવી દીવા કે તેમનો દેહ પાણી બની સરસ્વતીરૂપે વહી રહ્યો, અને તેમનો આત્મા પરમાત્મા સાથે એક બની ગયો.

પતિ, પત્ની અને પુત્ર એ ત્રણ રેખાઓ ભેગી મળતાં મોક્ષનું સર્જન થાય છે એ આર્યભાવના કર્દમ, દેવહૂતિ અને કપિલે સાચી પાડી.