પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦ : હીરાની ચમક
 


ઘુમ્મટ આ માનવીને સરખો લાગતો હતો ! સુખશય્યા અને ભૂમિશયન એ બંનેમાં આ પુરુષને સહેજ પણ ફેર લાગ્યો નહિ ! વાત પણ સાચી. ભૂમિશયન તેના મુખ ઉપર જરા યે વિક્રિયા ઉપજાવી શક્યું ન હતું. વધારામાં કૂલશય્યા ઉપર એ સૂતો હોય એવું એનું મુખ નિદ્રામાં પ્રસન્ન દેખાતું હતું. રાજાની પાસે બધી સત્તા હતી; ઝૂંપડીમાંથી એ મહેલ પણ સર્જી શકે, અને કીચડમાંથી બાગ પણ સર્જી શકે. રાજવીની સત્તા રંકને ધનવાન કરી શકે અને ધનવાનને રંક પણ કરી શકે. પરંતુ રાજસત્તા આ પ્રસન્નમુખ પુરુષ આગળ આવીને અટકી જતી. મહેલ આપવા માંડ્યો ત્યારે આ પુરુષે એને વૃક્ષઘુમ્મટ સરખો બનાવી દીધો; સુખશય્યા આપવા માંડી ત્યારે તેને ભૂમિશય્યા એના સરખી જ સુખદ લાગી. રાજા પોતાની સત્તા સાથે, પોતાની સમૃદ્ધિ સાથે, પોતાના જ્ઞાન સાથે જે કરી શકતો ન હતો તે આ સંતપુરુષ રાજાના દેખતાં કરી શક્યો.

‘સાધો ! ક્ષણભર થોભો. મારી વિનંતી છે કે આપ મારા નગરને જ પાવન કરો. મારે આપની સાથે ઘણી વાત કરવી છે.’ રાજાએ જવાની તૈયારી કરતા સાધુને કહ્યું.

‘રાજન્ ! સાધુ તો ચાલતો જ ભલો, રાજા પવિત્ર હશે એ નગરી પણ પવિત્ર જ હશે. અને… હું તો કોઈ વિદ્વાન નથી, પંડિત નથી, શાસ્ત્રી નથી, યોગી નથી, કે જેથી મારા વાક્‌ચાતુર્ય દ્વારા હું તારા ઉપર છાપ પાડી શકું. વાતચીતનો કંઈ અર્થ જ નથી, એવી અમારી અજ્ઞજનોની માન્યતા.’

‘તો આપ છો કોણ ? આપને ઓળખવા શી રીતે ? વાતચીત સિવાય બીજી કઈ રીતે હું આપની નજીક આવી શકું ? આપના જેવી પથ્થર અને સુવર્ણ એક માનતી માનસિક શક્તિ મારે જોઈએ છે. આપ જ મને એ આપો.’ રાજાએ આર્જવપૂર્વક સાધુને કહ્યું.

‘હું છું પ્રભુના ચરણની રજ, પહેલાં જ મેં મને ઓળખાવ્યો. વાતચીત તો મારી સાથે શી કરવાની ! હું અજ્ઞાનીની સાથે ? સાચી વાતચીત પ્રભુ સાથે થાય, રાજન્‌ ! અને એ વાણીનો વિષય નથી;