પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન:પ્રભુ પ્રીત્યર્થે : ૧૩૧
 


હૈયા ઉકલતની વાત બની રહે છે. અને મારા જેવી શક્તિ ? સુવર્ણ અને પથ્થરને એક માને એવી ? રાજન્ ! સુવર્ણ અને પથ્થર બનાવનાર પ્રભુ ! માગો એ શક્તિ એની પાસે.’

‘એ ક્યારે મળે ?’

‘પ્રભુને ઓળખો, પ્રભુમાં તન્મય થઈ જાઓ, તે દિવસે પ્રભુની સઘળી રિદ્ધિસિદ્ધિઓ તમારી આસપાસ રમ્યા કરશે. કલ્યાણ થાઓ, રાજન ! જય શ્રીકૃષ્ણ !’

રાજા બળદેવર્મન વિચાર કરતો ઊભો રહ્યો અને પરવા વગરના સાધુને ઈશ્વરસ્મરણ કરતો જતો જોઈ રહ્યો. મહારાજાને લાગ્યું કે તે પોતે ધર્મિષ્ઠ હતો. રાજાને યોગ્ય આચરણ પણ કરતો હતો, અને તેની રૈયત પણ સુખી હતી; છતાં, સર્વસત્તાધીશ રાજા હોવા છતાં, હજી એની પાસે એ ન હતું. જે આ ચાલ્યા જતા સાધુ પાસે હતું. એ કયું તત્ત્વ? પ્રભુ ! પ્રભુનું સાન્નિધ્ય ! એ સિવાયની સઘળી પ્રાપ્તિ અધૂરી તો ખરી જ ને ?

ધર્માચરણ કરતા રાજાને અંધારપિછોડો ઓઢીને નગરમાં ફરતાં રાજ્યની ખામી તો કાંઈ દેખાઈ નહિ, પરંતુ તેની પોતાના હૃદયની કોઈક ખામી દેખાઈ આવી. બળદેવવર્મન રાજાના હૃદયને એ જ એ ક્ષણથી ચોટ લાગી. રાજાને પણ સામાન્ય માનવીની માફક પ્રભુ પાસે તો પગે ચાલીને જ જવાનું ને ! રાજકાજ એ કરતો, મહારાજવીઓ સાથે સંધિવિગ્રહમાં ઊતરતો, પ્રજાની ફરિયાદ સાંભળતો, આજ્ઞા આપતો, અને તેનું પાલન પણ કરાવતો; છતાં તે સર્વની પાછળ એક ડંખ તેને વાગી જ રહેલો હતો; હજી પરમ તત્ત્વ પિછાનવાનું તો બાકી જ ને ?

એની વિકલતા પ્રધાનો, સામંતો, અધિકારીઓ અને કુટુંબીઓને પણ પરખી ગયા. એક વખત રાજ્યપુરોહિતને પણ મહારાજાએ કહ્યું કે, પુરોહિત સરખા વિદ્વાન કર્મકાંડીએ રાજાને પ્રભુપ્રાપ્તિનો માર્ગ બતાવવો. પંડિતે પોતાની અશક્તિ જાહેર કરતાં કહ્યું :

‘મહારાજ ! હું તો ભૂલ વગરનું કર્મ કરાવું અને શાસ્ત્રના