પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪ : હીરાની ચમક
 

 ‘ભગવાન વિષ્ણુની આજ્ઞાથી ? જા જા, આ ક્ષણે જ બોલાવી લાવ. મારે તેમના દર્શન કરવાં છે.’ રાજાએ આજ્ઞા આપી. કોણ જાણે કેમ, તેના હૃદયમાં એકાએક ભાસ થયો કે વ્યથા નિવારવામાં માટે જ ભગવાને કોઈ સંતને તેની પાસે મોકલ્યા છે.

વિષ્ણુચિત્ત પાવડી ખટખટાવતા સભા ગૃહમાં ચાલ્યા આવ્યા. તેમના પહેરવેશમાં કશું વિશિષ્ટ તત્વ ન હતું : તેમની ચાલમાં શસ્ત્રી-પંડિતનો અડંબર પણ ન હતો પરંતુ તેમના મુખ ઉપર એવી પ્રસન્નતા હતી કે જે પ્રસન્નતા રાજા બળદેવવર્મને વર્ષો પહેલાં પાછલી રાતે વૃક્ષ નીચે સૂતેલા એક બેપરવા સાધુના મુખ ઉપર જોઈ હતી. રાજા એકાએક ઊભો થયો અને વિષ્ણુચિત્તના ચરણમાં તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

‘ઉઠો... રાજન ! ઊભા થાઓ. આવા પ્રણામ તો પ્રભુને શોભે, મને નહિ.’ વિષ્ણુચિત્તે રાજાનો સ્પર્શ કરી તેમને ઊભા કર્યા અને સ્પર્શ થતાં જ રાજાને લાગ્યું કે પ્રભુનાં દર્શન કરાવનાર કોઈ સાચો સંત તેની પાસે આવીને તેને પ્રભુ તરફ દોરી રહ્યો છે. સહજ ગદ્‌ગદ વાણીમાં રાજાએ બે હાથ જોડી વિષ્ણુચિત્તને કહ્યું.:

‘ગુરો ! પ્રભુ તરફ એક વાર આપે અંગુલિનિર્દેશ કર્યો; હવે પ્રભુનાં દર્શન કરાવો–પ્રત્યક્ષ.’

‘રાજન્ ! તારો પ્રભુદર્શનનો અધિકાર હવે થઈ ચૂક્યો લાગે છે. સાક્ષાત નારાયણે મને આજ્ઞા આપી તારી પાસે મોકલ્યો છે.’

‘સ્વપ્નમાં આજ્ઞા આપી શું, મહારાજ ?‘’

‘સ્વપ્ન–જાગૃતની જડ જંજાળમાં તું શું કરવા પડે છે ? જાગતાં, સ્વપ્ન કે સુષુપ્ત : જે અવસ્થામાં પ્રભુદર્શન થાય એ જ સાચી અવસ્થા, કહે, તારી સભાઓ પૂરી થઈ ગઈ? શું શીખ્યો તું પંડિતો પાસેથી ?’

‘શીખ્યો ઘણું ઘણું; લગભગ બધાં જ ધર્મશાસ્ત્રોના સિદ્ધાંત. પરંતુ એકે ય સિદ્ધાંત મને હજી પ્રભુની પિછાન કરાવી શક્યો નહિ.’

‘પ્રભુની દૃષ્ટિ હવે મારા ઉપર થઈ છે, એટલે તારી દૃષ્ટિ