પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન : પ્રભુપ્રીત્યર્થે : ૧૩૭
 

 ઉછેર આરંભ્યો અને એ બાલિકા ઊછરી પણ ગઈ. વિષ્ણુચિત્ત પાસે એ બાલિકા ઉચ્ચારણ પણ પ્રભુનામ સિવાય બીજું શું સાંભળે ? બાળકીના મુખનો પહેલો બોલ પણ ‘હરિ’ નામનો જ હતો. જેની વાણીમાં પહેલો બોલ પ્રભુનો જ હોય એ બાળકી પણ પ્રભુ તરફ દોરાયા વગર કેમ રહે ? રંગનાયકીની નજરમાં વીસે કલાક વિષ્ણુચિત્ત અને તેમનું કાર્ય રહ્યા કરે. પ્રભુનું નામસ્મરણ પ્રભાતથી જ સાંભળવાનું હોય. વિષ્ણુચિત્ત ફૂલ વીણવા જાય અને બાળકી પણ પાલક પિતાની સાથે સાથે અને પાછળ ફર્યા કરે; અને જે જે કાર્ય વિષ્ણુચિત્ત કરે તે તે કાર્યમાં બાળકી પોતે પણ પરોવાય. બાળકીને ખાવું પીવું ઘણું ગમે; રમવું કૂદવું ઘણું ગમે; વાત સાંભળવી, ગાવું, વગાડવું એ તો બાળકના જ પ્રિય વિષયો. અને વિષ્ણુચિત્તને ત્યાં એ બધું જ મળતું. માત્ર વિષ્ણુચિત એ સઘળી વસ્તુને એક ટકોરો મારી પ્રભુનિમિત્ત બનાવી દેતા. ફુલ ચૂંટવાં બાળકીને ગમે, અને ફૂલ પહેરવાં પણ બાળકીને ગમે. વિષ્ણુચિત્ત રંગનાયકીની પાસે ફૂલ વિણાવે, અને માળા ગૂંથાવે. પરંતુ તે પ્રભુને અર્પણ થાય અને ત્યાર પછી રંગનાયકી પોતાના દેહ ઉપર ધારણ કરે. વિષ્ણુચિત્ત પાલક દીકરીને માળા પહેરેલી જોઈ બહુ રાજી થાય અને કહે:

‘વાહ, દીકરી ! શું સરસ માળા તને શોભે છે? જાણે પુષ્પે પુષ્પે પ્રભુ પધાર્યા !’

અને રંગનાયકીને પોતાને પણ એમ જ લાગે કે પુષ્પે પુષ્પે એના દેહ ઉપર પ્રભુ જ પધારે છે.

ખાવાપીવાનું પણ પ્રભુને ધરાવીને. પ્રભુને ધરાવવાને માટે આ સારામાં સારું બનવું જોઈએ. અને સારામાં સારું ન બન્યું હોય તોપણ પ્રભુને ધરાવેલી વસ્તુમાં દોષ કે ખોડ કાઢી શકાય જ નહિ એ ભાવના વિષ્ણુચિત્તના હૃદયમાંથી રંગનાયકીના હૃદયમાં ઝિલાઈ. રંગનાયકી ધીમે ધીમે એક સુંદર પાકપ્રવિણા થઈ.

એને રમવું કૂદવું હોય, વૃક્ષ ઉપર ચઢવું હોય, ગાયવાછરડા