પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨ : હીરાની ચમક
 


કે કાંઈ નહિ તો છેવટે પ્રભુને પુષ્પ પણ ચઢાવવાં. મહાવિદ્વાન વિપ્ર નારાયણ એ પ્રભાતથી મંદિરમાં જઈ પ્રભુને પુષ્પ અર્પણ કરવા લાગ્યા.

ભક્તિમાર્ગની ખૂબી જ એ છે કે સેવાકાર્ય આપોઆપ જ વિસ્તાર પામતું જાય, અને ભક્તનું હૃદય વધારે ને વધારે પ્રભુમય બનતું જાય. પહેલે દિવસે વિપ્રનારાયણે પ્રભુની મૂર્તિના ચરણ પાસે પોતાને ગમતાં સારામાં સારાં પુષ્પો ધરાવ્યાં. બીજે દિવસે એટલાં પુષ્પો તેમને ઓછાં લાગ્યાં, એટલે તેમણે પુષ્પનો એક ઢગલો સાથે રાખ્યો અને પ્રભુને ચરણે ધરાવ્યો. ભક્તિએ તેમનું હૃદય ખોલવા માંડ્યું. બીજે દિવસે તેમને લાગ્યું કે સર્વાર્પણને યોગ્ય પ્રભુને આમ અવ્યવસ્થિત પુષ્પોનો પૂંજ ચઢાવવો અને તેમના ચરણને રૂંધી નાખવા એના કરતાં તેમનાં સુકોમળ ચરણને સહજ પણ કષ્ટ ન થાય એવી રીતે વ્યવસ્થિત ઢબમાં પુષ્પના મુકુર બનાવી ચઢાવવા એ વધારે સાચો માર્ગ છે, માળીને ત્યાં તો અનેક પ્રકારની પુષ્પાકૃતિઓ મળતી હતી. એવી વેચાતી લીધેલી પુષ્પાકૃતિઓ કરતાં પોતે જાતે જ પુષ્પની જુદી જુદી આભૂષણ-આકૃતિઓ બનાવે અને પ્રભુના ચરણે ધરાવે એ વધારે સાચી ભક્તિ નહિ ? મહાપંડિતે પોથાં થોથાં બાજુ ઉપર મૂક્યાં, અને પ્રભુના ચરણને શોભે એવી ઢબનાં પુષ્પ-આભૂષણો જાતે જ મંદિરમાં બેસી તૈયાર કરવા માંડ્યાં. પ્રભુના ચરણ કેવા, પ્રભુની અંગુલિ કેવડી, નૂપુર સિવાય બીજાં કયાં કયાં આભૂષણો બનાવી શકાય એમ વિચારમાં રમતા પંડિત વિપ્ર નારાયણનું મન પ્રભુની આકૃતિમાં જ રમવા લાગ્યું. અને વેદવેદાંતનાં જે ઋચાસૂત્રો નહોતાં કહી શકતાં તે પ્રભુલક્ષણો તેમને પુષ્પ-અલંકાર ગૂંથતાં ગૂંથતાં મનમાં પ્રગટ થતાં.

અને પુષ્પ અલંકારો કાંઈ એકલા પગને જ અર્પણ થાય એવું કોણે કહ્યું ? પ્રભુના હાથ, પ્રભુની કમર, પ્રભુનો કંઠ, પ્રભુના વક્ષ, પ્રભુના સ્કંધ, અરે ! પ્રભુના શિરપેચ પણ ફૂલના શા માટે ન બનાવાય ? વિદ્વાન વિપ્ર નારાયણ પ્રભુના પગ માટે પુષ્પ અલંકારો બનાવતા હતા