પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભક્તિ કે પ્રભુકૃપા : ૧૪૩
 


તે હવે પ્રભુની આખી મૂર્તિ માટે પુષ્પ-અલંકારો બનાવતા મંદિરના એક સેવક બની ગયા. પુસ્તકોના વાંચન કરતાં પુષ્પાલંકારની રચના તેમને પ્રભુનું સાન્નિધ્ય વધારે પ્રમાણમાં આપતી હતી; અને જે ઊર્મિલતા વાચનમાંથી નહોતી મળતી તે ઊર્મિલતા હવે તેમને અલંકારરચનામાંની મળવા માંડી.

એક દિવસ અલંકારમાં કાંઈ ભૂલથી પુષ્પનું વજ્ર તેમના પુષ્પ-આભૂષણમાં રહી ગયું, અને એ વજ્ર પ્રભુને ખૂંચ્યા કરતું હોય એમ લાગતાં વિપ્ર નારાયણને ભારે પશ્ચાત્તાપ થયો :

‘અરેરે ! પ્રભુને આખો આખો દિવસ ખૂંચે એવું વજ્ર મેં મારા આભૂષણમાં રહેતા દીધું ! પ્રભુને દુઃખ આપનારો હું પાપી છું.’

આમ તેમના હૃદયમાં પ્રભુ પ્રત્યે અને પ્રભુની જનતા પ્રત્યે ભવ્ય કુમળાશ જન્મી અને પ્રભુપિછાનની પાત્રતા ઉપજાવતી આર્દ્ર વૃત્તિ તેમના હૃદયમાં વ્યાપી ગઈ.

એક સવારે તેમના મનમાં વિચાર આવ્યો :

‘પ્રભુના શણગાર માટેનાં પુષ્પો હું પાડોશીના કે ઓળખીતાના બગીચામાંથી લાવું છું. ત્યાંથી ન મળે તો હું વેચાતાં લાવું છું. કેટલી મોટી ભૂલ ? મંદિરની આસપાસ આટલી મોટી પડતર જમીન પડી છે ! હું જાતે જ અંગમહેનત કરી પ્રભુ માટે એક બગીચો બનાવી એ બગીચાનાં જ પુષ્પની પથારીમાં પ્રભુને સુવાડું તો એ વધારે સાચી સેવા ન કહેવાય ?’

અને આવો વિચાર આવતાં જ તે જ ક્ષણે વિપ્ર નારાયણે ઊભા થઈ મંદિર આસપાસની પડતર જમીન સુધારી, તેમાં બગીચો ઉપજાવવાની યોજના ઘડી કાઢી, અને પોતાને હાથે જ કોદાળા, પાવડા લઈ ખોદકામની શરૂઆત કરી દીધી. વિદ્વાન વિપ્ર નારાયણની વિદ્વતા કે વિદ્વતાનો ઘમંડ ઓસરી જતાં ભક્ત વિપ્ર નારાયણ પ્રભુભક્તિમાં એક મજદૂર બન્યા ! સામાન્યતઃ વિદ્વતાને અને મજૂરીને ભારે બનાવ તો નહિ. વિપ્ર નારાયણને કોદાળી શું, પાવડો શું, ત્રીકમ શું, ટોપલો શું, ક્યારો શું અને ફૂલછોડનું વાવેતર શું, એનો કશો જ