પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભક્તિ કે પ્રભુકૃપા ? : ૧૪૭
 


એના પ્રશંસકો એ અભિમાનને જીવંત રાખતા હતા. અને મંદિરમાં દર્શને આવનારનો કેવડો મોટો ભાગ પ્રભુના દર્શનની સાથે દેવદેવી અને રૂપાદેવીનાં રૂપદર્શનનો લાભ મેળવવા આવતાં હોય તો તેમાં અસંભવિત કશું ન હતું – આજની માફક ત્યારે પણ.

તૈયાર થવા આવેલી નહેર ઉપરથી દૃષ્ટિ ખસેડી સ્ત્રીરૂપ ઉપર નજર નાખવાની વિપ્ર નારાયણને જરા ય ઈચ્છા થઈ નહિ. તેમને મન નહેરની સુધારણા એ તીવ્ર પ્રશ્ન હતો. એટલે તેમણે કોઈના પણ સામું જોયા વગર એટલું જ કહ્યું :

‘તમે જતાં થાઓ. આટલી ગાર ચણી હું દોડતો આવું છું. એક પણ આલાપ નહિ ચૂકું.’

દેવદેવીની ભ્રુકુટી સહજ વાંકી થઈ; તેની ડોક પણ સહજ નમી. તેણે પોતાનો પગ આછો પછાડ્યો અને તે આગળ વધી. બંને બહેનો હવે આગળ ચાલી. હસીને રૂપદેવીએ કહ્યું :

‘ભોટ લાગ્યો કે બેપરવા ?’

‘એ જે હોય તે ! એનું પતન ચોક્કસ છે.’ દેવદેવીએ ગર્વપૂર્વક કહ્યું.

‘એટલે ?’ રૂપદેવીએ પૂછ્યું.

‘એટલે એમ કે એ ભોટ હોય કે ઋષિમુનિ હોય, તોપણ એના અજ્ઞાનની કે એના તપની ખંડણી એ મારે ચરણે ધરશે.’ દેવદેવીએ કહ્યું.

‘જવા દે, બહેન ! ભક્તોને. આટઆટલા સમયથી આપણે મંદિરમાં આવીએ છીએ. દર્શન કરવા આવનાર જેટલું પ્રભુ સામું જુએ છે એટલું જ આપણી સામું જુએ છે. માત્ર આ વિપ્ર નારાયણને જ ખબર નથી કે એની નજીકમાં જ ગાનારી અને નાચનારીનાં મુખ કેવાં હશે ! ભક્તોની છેડ સારી નહિ.’ રૂપદેવી બોલી.

‘જોતજોતામાં એ ભક્ત મારે ચરણે આ બાગનાં પુષ્પ ન ધરાવે તો જીવનભર તારી દાસી થઈને રહીશ.’ દેવદેવીએ પ્રતિજ્ઞા લીધી.

નિત્યનિયમ પ્રમાણે દેવમંદિરમાં નૃત્યકિર્તન થયાં. સમયસર