પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪ : હીરાની ચમક
 

બદલી નાખ્યું અને ગિરિજાશંકર માસ્તર પાસે તેણે ભણવા માંડ્યું. ભણતાં ભણતાં અધવચ જ જયા અને એનાં માબાપ આ ગામમાંથી કલકત્તા ઊપડી ગયાં અને સાંભળ્યા પ્રમાણે જયાનાં લગ્ન પણ તે જ છોકરા સાથે થઈ ગયાં. કેટલી યે વાર જયાએ ગિરિજાશંકરને કાગળો લખ્યા અને જગન્નાથજીની જાત્રાએ જવા માટે કાયમ આમંત્રણ પણ આપ્યું. ગામ છોડીને, બે પાંચ વીઘા જમીન છોડીને. આદર્શોની સૃષ્ટિ રચીને ચલાવેલી શાળાને છોડીને, અને કલ્લોલ કરતા બેત્રણ બાળકો અને પતિનું જ અવલંબન લઈ સુશીલ, ગરીબ સ્વભાવની પત્નીને છોડીને ગિરજાશંકરથી જાત્રા માટે પણ ક્યાં નીકળાતું હતું ?

અને હવે તો આખું જીવન વેડફી ઉછરેલી શાળા પણ તેમના હાથમાંથી ચાલી ગઈ હતી અને ગામનાં નાનકડાં બાળકોનો નિર્દોષ સાથ પણ આજથી ચાલ્યો ગયો હતો ! ગિરિજાશંકરે એક ઊંડો નિઃશ્વાસ નાખ્યો. જીવતી જાગતી, ધબકતી, શહેરી દુનિયાની પ્રતીક સરખી બે મોટરકાર હનુમાનની દેરી પાસેથી પસાર થઈ. ધોરી રસ્તો દેરી પાસે જ થઈને જતો હતો.

ધોરી રસ્તા ઉપર આજના સમયમાં કદી કદી ધનિકોની મોટરકાર પણ જાય, ખાનગી વાહન-વ્યવહારના ચાલકોના ખટારા પણ જાય અને સરકારી કે અર્ધસરકારી બસ પણ જાય. ગિરિજા શંકરનો વાહનઅનુભવ ખટારા સુધી પહોંચેલો હતો; બસ કે કારમાં પગ મૂકવાની તેમનામાં હજી સુધી શક્તિ આવી ન હતી. જીવતી જાગતી શાળા તેમના હાથમાંથી ચાલી ગઈ; ચમકતી, પ્રકાશના બબ્બે ત્રણ ત્રણ સૂર્ય ને આગળ પાછળ રાખતી કાર સાથે તો તેમને સંબંધ હોઈ જ કેમ શકે ? કાર સાથે તેમને નિસબત પણ ન હતી, કારની તેમને તૃષ્ણા પણ ન હતી. સંધ્યા જરા ઘેરી થઈ છતાં તેઓ દેરીની બેઠક ઉપર બેસી જ રહ્યા. બાવાજી પણ એટલામાં લોટ લઇને