પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભક્તિ કે પ્રભુકપા ? : ૧૫૩
 


છે અને તમને જ શોધે છે. ચાલો, આટલું દુઃખ વેઠ્યું, દેવદેવીને દ્વારે આટલા ધક્કા ખાધા તો એક વધારે… મારે ખાતર હું જો જૂઠો હોઉં તો.’ આગન્તુકે કહ્યું.

અને મનની તથા શરીરની વિહ્‌વળતામાં વિપ્ર નારાયણ આગંતુકની સાથે દેવદેવીને દ્વારે પહોંચી ગયા. દેવદેવીએ તેમના ઉપર પ્રેમ વર્ષાવ્યો અને વિપ્ર નારાયણે બાકી રહેલી રાત્રિ આનંદમાં વિતાવી. પરંતુ એ આનંદ હવે તેમને વાગતો હોય એમ લાગ્યું. શૂળી ભોંકતા આનંદે તેમને દેવદેવીના ઘરમાં પણ મંદિરની અને દેવમૂર્તિની સ્મૃતિ કરાવી. અને ગૂંગળાવતા આનંદને બદલે પ્રભુભક્તિના પ્રફુલ્લ આનંદમાં હવે પછીનું જીવન વિતાવવા તેમની પાસે પ્રતિજ્ઞા લેવડાવી – એક નર્તકીની શય્યામાં સૂતાં સૂતાં !

પ્રભાતનો સમય થતાં પહેલાં દેવદેવીના ઘરને રાજસિપાઈઓએ ઘેરી લીધું. મંદિરન્નો એક સુવર્ણથાળ મંદિરના ભંડારમાંથી રાત્રે જ ખોવાયેલો માલૂમ પડ્યો. અને મંદિરનો જૂનો જાણકાર વિપ્ર નારાયણ રાત્રે મંદિરની આસપાસ ભટકતો જોવામાં આવ્યો હતો, એટલે એણે જ એ સોનાનો થાળ ચોરી લીધો હશે એવી સ્વાભાવિક રીતે જ સહુને શંકા લાગી. વિપ્ર નારાયણનું સ્થાન હવે સહુ કોઈ જાણતા હતા. એટલે નગર રક્ષપાળોએ દેવદેવીના ઘરને ઘેરી લીધું અને દેવદેવી તથા વિપ્ર નારાયણને કેદ પકડ્યાં. બંને કેદીઓની પૂછપરછ શરૂ થઈ, અને દેવાલયનો સુવર્ણથાળ પાછો આપી દેવા ધમકી અપાઈ. દેવદેવીએ કબૂલ કર્યું :

‘સુવર્ણથાળ મારા મકાનમાં છે ખરો, પરંતુ તે મને વિપ્ર નારાયણનો નોકર આપી ગયો હતો… માટે મેં ઘરમાંથી દૂર કરેલા વિપ્ર નારાયણને ઘરમાં પાછો બોલાવ્યો.’

વિપ્ર નારાયણના મુખ ઉપર હવે હર્ષ કે શોક કાંઈ રહ્યાં જ ન હતાં. તેમને પ્રશ્ન કરવામાં આવતાં. તેમણે તો જવાબ આપ્યો કે :

‘ભાઈઓ ! હું તો ધન, સગાં, સંબંધી અને પ્રતિષ્ઠા બધું ગુમાવી એક ભિખારી બની ગયો છું. મંદિરની આસપાસ હું રખડતો