પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભક્તિ કે પ્રભુકૃપા ? : ૧૫૫
 

 અને દેવદેવીને તો સો સો વીંછીના ડંખ વાગ્યા હોય એવો પશ્ચાત્તાપ થઈ રહ્યો. જે પવિત્ર પુરુષને ગુરુસ્થાને બેસાડી પ્રભુ પાસે પહોંચાય એમ હતું એ પુરુષને સૌંદર્યના ગુમાનમાં દેવદેવીએ પતિત બનાવ્યો એ ભયંકર પાપની સજા દેવદેવી અત્યારે ભોગવી રહી હતી એવી તેને ખાતરી થઈ. અને વારંવાર માનસિક ક્ષમાયાચના પ્રભુની અને વિપ્ર નારાયણની કરી લીધી.

પ્રભાતમાં સૂર્યોદય થતાં પહેલાં બંદીપાલે આવી વિપ્ર નારાયણને અને દેવદેવીને એમ બંનેને, કેદખાનેથી છૂટાં કર્યા. વિપ્ર નારાયણે પૂછ્યું :

‘મને ગુનેગારને કયે કારણે છોડવામાં આવે છે ?’

‘જે થાળ ખોવાયો કહેવાય એ થાળ ખરેખર ખોવાયો નથી.’ બંદીપાલે કહ્યું.

‘એ જણાયું શી રીતે ?’ વિપ્ર નારાયણે પૂછ્યું.

‘ભંડારીને તેમ જ મહારાજાને બંનેને સ્વપ્નમાં કોઈ દૈવીપુરુષ દેખાયા અને તેમણે સોનાના થાળ ફરી ગણી જોવા આજ્ઞા આપી. મહારાજા તેમ જ ભંડારીએ બંનેએ રાતમાં ને રાતમાં ભંડાર ખોલી સુવર્ણથાળ ગણી જોયા. એકે થાળ ગુમ થયો દેખાયો નહિ. એટલે એ દેવીપુરુષની ઇચ્છાનુસાર આપ બંને ગુનેગારોને નિર્દોષ માની છૂટા કરવાની રાજાજ્ઞા થઈ છે.’ બંદિપાલે કહ્યું અને વિપ્ર નારાયણને છૂટા મૂક્યા.

એ જ પ્રમાણે દેવદેવીને છોડનાર બંદીપાલ સાથે દેવદેવીને પણ વાતચીત થઈ, અને દેવદેવીને છોડી મૂકવામાં આવી. પરંતુ દેવદેવીના મનની એક સમસ્યા ઊકલી નહિ. તેણે તો બંદીપાલને આગ્રહપૂર્વક કહ્યું પણ ખરું :

‘પણ એ સુર્વણથાળ મારા હાથમાં – મારા સગા હાથમાં – મુકાયો હતો એ હું હજી પણ કહું છું. મારે ઘેર પછીથી જડ્યો નહિ એ વાત સાચી. પરંતુ મેં મારા ઘરમાં એ સુવર્ણથાળ લઈ અને ઠેકાણે મૂક્યો હતો એ હકીકત એથી પણ વધારે સાચી છે.