પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦ : હીરાની ચમક
 


‘હા દીકરા ! આ જીવનમાં કાંઈ પણ મેળવવું હોય તો હું એક જ માર્ગ જાણું છું, તારા પિતાએ કહેલો : શિવનું પૂજન કરવું અને नमः शिवायનો જાપ જપવો.’ માતાએ કહ્યું.

‘જાપ તો હું જપી લઈશ. પણ શિવની પૂજા કેમ થાય. મા ?’

‘દીકરા ! શિવતત્ત્વ તો સર્વવ્યાપક છે. જ્યાંથી જેવી રીતે પૂજીશ તેવી રીતે તે પૂજા સ્વીકારશે.’ માએ કહ્યું.

‘તો મા ! હું એમ કરું ? તું બતાવે તેમ આ આશ્રમની માટી માંથી નાના નાના ગોળા લઈ આવું અને તું મને શિવની આકૃતિ એમાંથી ઊભી કરી આપ. એટલે હું તેમનું સતત પૂજન કર્યા જ કરીશ – શિવ પ્રત્યક્ષ ન થાય ત્યાં સુધી.’ ઉપમન્યુએ કહ્યું.

માતાને – પુત્રને આ દૃઢ નિશ્ચય વિસ્મયભરેલો લાગ્યો. છતાં માતા અંબા રાજી થયાં અને માટીની કણીઓ લઈ પાર્થિવેશ્વર બનાવવાની રમતમાં ઉપમન્યુને પ્રેર્યો. પ્રાચીન ઋષિકુળોમાં રમત પણ ઈશ્વરને અવલંબીને જ થતી હતી.

પરંતુ ઉપમન્યુ માટે એ રમત ન હતી. દૂધ મેળવી આપનાર શક્તિશાળી દેવની એ એકાગ્ર ઉપાસના હતી. કામ ન હોય ત્યારે એ બાલક नमः शिवाय મંત્ર ભણે અગર માટીનાં શિવલિંગ બનાવી નિત્ય તેની પૂજા કરે. અલબત્ત, અન્ય શિષ્યોની સાથે તે પિતા વ્યાઘ્રપદ પાસે અભ્યાસ પણ કરતો રહ્યો, છતાં એ અભ્યાસનું કેન્દ્ર અને ધ્યેય બ્રહ્મતત્ત્વ તેને શિવસ્વરૂપે જ ઓળખાયા કરતું હતું, અને તેની શિવપૂજા વય અને અભ્યાસ વધતાં પણ ચાલુ રહી– વય વધતાં એના મનમાંથી દૂધનું મહત્ત્વ ઘટતું ચાલ્યું હતું અને માત્ર શિવતત્ત્વનું મહત્ત્વ સચવાઈ રહ્યું હતું. આમ બાલ્યાવસ્થામાં ઊપજેલી દૂધની તૃષ્ણા સંતુષ્ટ કરવા માટે શિવ સમર્થ છે એ જ્ઞાનમાંથી પાર્થિવ દૂધ બાજુ ઉપર રહી ગયું, અને યુવાન ઉપમન્યુ મહાન શિવભક્ત બની ગયો.