પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨ : હીરાની ચમક
 

 ધુમ્મસની માફક વ્યાપક તત્ત્વ વેરાઈ જતું હતું. ઉપમન્યુને સુદૃઢ, સુબદ્ધ, નક્કર, જીવતીજાગતી આંખે દેખાય એવું, અને જીવતાજાગતા કાને સંભળાય એવું, વાતચીતને શક્ય બનાવતું ઘટ્ટ, ઘન, શિવસ્વરૂપ નિહાળવું હતું. એ હજી પ્રત્યક્ષ કેમ થતું ન હતું ?

એક દિવસ ઉપમન્યુને ખૂબ વેદના જાગી. એ માગતો હતો શિવસ્વરૂપ હવે પ્રત્યક્ષ ન થાય તો દેહત્યાગ સુધીની તપશ્ચર્યા આદરવી એ નિશ્ચય કરતા ઉપમન્યુએ એકાએક સુંદર દૃશ્ય નિહાળ્યું, એની સામે વનરાજીમાંથી કોઈ પર્વતટેકરી ઉપરથી ઊતરતા સર્વાંગ સુંદરદેવ દૃષ્ટિએ પડ્યા. કલ્યાણકારી દૃશ્યો આંખને જરૂર ખેંચે. દેવ તરફ ઉપમન્યુની દૃષ્ટિ વળી અને તેને લાગ્યું કે દેવ તેના તરફ જ આવી રહ્યા હતા — અરે ! જોતજોતામાં તેની પાસે આવી પણ પહોંચ્યા. સ્મિતભર્યા મુખવાળા એ દેવમાં ઉપમન્યુને શંકરનાં દર્શન થયાં ન હતાં છતાં દેવના કલ્યાણતત્ત્વને નમન કરી ઉપમન્યુ દેવ સામે ઊભો રહી પૂછવા લાગ્યો :

‘દેવ, આપનાં દર્શન દુર્લભ છે. હું કયા કલ્યાણકારી દેવનાં દર્શન કરી રહ્યો છું ?’

‘ઉપમન્યુ ! તું તો વેદપારંગત તપસ્વી છે. દેવોનાં સ્વરૂપને નિત્ય રટનારો છે. મને તું નહિ ઓળખી શકે?’ દેવે પ્રસન્નતાપૂર્વક ઉપમન્યુને આહ્‌વાન આપ્યું.

‘મંત્રની સ્મૃતિ તો મને કહે છે કે આપ દેવના પણ દેવ ઈન્દ્રદેવ છો. હું દેવાધિદેવને પ્રણામ કરું છું.’ ઉપમન્યુએ શિવમાંથી સ્મૃતિ ખસેડી ઈન્દ્રલક્ષણની ઋચાઓ યાદ કરી કહ્યું.

‘ધન્ય, ઉપમન્યુ ! તેં મને ઓળખ્યો ખરો. તારી ઇચ્છામાં આવે એ વર માગ. હું પ્રસન્ન છું.’ ઇન્દ્રે વરદ મુદ્રા કરી ઉપમન્યુને કહ્યું

‘નહિ, દેવ ! આપનાં દર્શન એ મારે મન મોટું સાફલ્ય છે. આપ કંઈ મને સેવા બતાવો તો તે કરી હું કૃતાર્થ થાઉં,’

‘સેવા? મારી સેવા ? અસંખ્ય દેવતાઓ, સંપ્તાર્ષિ, ગાંધર્વ, અપ્સરા, એ સર્વની સેવા મને પૂરતી થાય છે. મારા દર્શન વ્યર્થ જવા